Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

વિશ્વ વિકલાંગ દિવસે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન

દિવ્યાંગો, મનોદિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ માટે કાર્યક્રમ : દિવ્યાંગોને સમાજમાં આદર તેમજ સન્માન સાથેનું સ્થાન મળે અને તેમને સ્વનિર્ભર બનાવવા માટે સંદેશો ફેલાવાયો

અમદાવાદ, તા.૩ : તા.૩ ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજય અને દેશભરમાં અનેક સ્થળોએ દિવ્યાંગો અને મનોદિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો-લોકોના લાભાર્થે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી કે કૃત્રિમ રીતે શરીરમા દિવ્યાંગતા ભોગવતા મનુષ્યોની સહાયતા માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ તેમજ સરકારના વિભાગો સતત કાર્ય કરતા હોય છે. વિશ્વ દિવ્યાંગ દિને અમદાવાદ-ગાંધીનગરમાં પણ જુદી જુદી સંસ્થાઓમાં દિવ્યાંગોને સમાજમાં એક ઉંચેરુ સ્થાન મળે એવા પ્રયાસ રુપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શહેરના અપંગ માનવ મંડળ સાથે સંકળાયેલા દિવ્યાંગજનો તેમજ સંચાલકોએ ઇડીઆઇ ગાંધીનગર, સમાજ કલ્યાણ ખાતા સહિતના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જ્યારે અપંગ માનવ મંડળ સંસ્થા સાથે જોડાયેલા બંકીમ પાઠકે એક સંગીતનો કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાખ્યો હતો. જેમાં દિવ્યાંગજનોને ઉપયોગી સાધનોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તો, શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસએબલ્ડ દ્વારા પોતાના પ્રાંગણમાં મનોદિવ્યાંગ બાળકો માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ હતું.

શાળાના શિક્ષક નીલેશભાઇ પંચાલે જણાવ્યું હતું કે, આ ચિત્ર સ્પર્ધામાં બાળકોએ કુદરતી દ્રશ્યો, રાષ્ટ્રધ્વજ જેવા બહુ અદભુત ચિત્રો દોર્યા હતા. ગઇકાલે સંસ્થામાં ૯૦ જેટલા મનો દિવ્યાંગ બાળકોને લાયન્સ કલબ સંવેદના અને લાયન્સ કલબ શાહીબાગ દ્વારા શિયાળાની ઋતુને લઇ ગરમ સ્વેટર ભેટમાં આપવામાં આવ્યા હતા. આજના વિશ્વ વિકલાંગ દિન નિમિતે દિવ્યાંગોને સમાજમાં આદર અને સન્માન સાથેનું સ્થાન મળે અને તેમને પણ સ્વનિર્ભર બનાવવા માટેનો સંદેશો ફેલાવાયો હતો. આ જ પ્રકારે શહેરના આશ્રમ રોડ પર આવેલી મૂક-બધિરો માટેની શાળામાં એક પ્રોત્સાહક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ યુવતી કલગીનું માર્ગદર્શક વક્તવ્ય રાખવામાં આવ્યું હતું.

(10:04 pm IST)