Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જમીન પચાવી પાડવાના જ્યંતિ કાવડિયા સામે ગંભીર આરોપો

પૂર્વ મંત્રી સામે આરોપ થતાં રાજકીય ગરમી : મોરબીમાં હિજરતીઓની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્યુ

અમદાવાદ, તા.૩ : જમીન માફિયાઓ દ્વારા જમીન પચાવી પાડવાના કિસ્સાઓ તો અવાર-નાવાર સામે આવતા રહે છે. પરંતુ હવે રાજ્યના પૂર્વ મંત્રી દ્વારા જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા દ્વારા જમીન પચાવી પાડવામાં આવી હોવાના ગંભીર આરોપ લાગી રહ્યા છે. જયંતિ કાવડિયા દ્વારા ૩૭૫ વીઘા જેટલી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોપ્રતિક ઉપવાસ પર બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી કવાડિયા પર જમીન કૌભાંડના આક્ષેપ લાગતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આ મામલો આગામી સમયમાં મોટુ સ્વરૂપ ધારણ કરે તેવો એંધાણ વર્તાઇ રહ્યા છે. ચકચારભર્યા આ પ્રકરણમાં હળવદના માનગઢ ગામના ખેડૂતોનો આરોપ છે કે, તેમના ગામના લોકો જેઓ ૧૯૪૭માં પાકિસ્તાન હિજરત કરી ગયા હતા, તેવા મુસ્લિમ ઘાંચી પરિવારની જમીનને કવાડિયાએ પચાવી પાડી છે. જે ગામના ખેડૂતો આઝાદી બાદ ખેડતા હતા અને વીઘોટી પણ આપતા હતા. ખેડૂતોના આક્ષેપ મુંજબ કવાડિયાએ આ જમીન ખોટા સોગંદનામા દ્વારા વારસદારો ઉભા કરી તેમના પરિવાર તેમજ મળતિયાઓના નામે કરી લીધી છે. ખેડૂતોએ જમીનના સર્વે નંબર પણ રજૂ કર્યા છે. મોરબીમાં હિજરતીઓની જમીન પચાવવાનું કૌભાંડ સામે આવતા સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હળવદના માનગઢમાં જમીન વિવાદ મુદ્દે ગંભીર આરોપ કવાડિયા પરિવાર પર લગાવવામાં આવ્યો છે. મોરબી એલસીબી કચેરીમાં ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાના પુત્રના નામે જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે. જિલ્લા ભાજપ મહામંત્રીના પત્નીના ખાતે જમીન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાલુકા ભાજપ પ્રમુખના પુત્રના નામે પણ જમીનનો આરોપ છે. આમ, હવે ભાજપના પૂર્વ મંત્રી જયંતિ કાવડિયા દ્વારા કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડવાના કૌભાંડને લઇ રાજકારણ જોરદાર રીતે ગરમાયું છે.

(10:02 pm IST)