Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

હિટ એન્ડ રન પ્રકરણમાં શૈલેષ પરમારનો ડ્રાઇવર હાજર થયો

અકસ્માતના કેસોમાં ચિંતાજનક વધારો : કાર સાથે ડ્રાઇવર પોલીસ સમક્ષ હાજર થયા બાદ જરૂરી ગુનો નોંધી ચકાસણી : એક્ટીવા ચાલકના મોતથી આઘાત

અમદાવાદ, તા.૩ : શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર આવેલા ગોકુલ ફલેટ્સ એન્ડ રોહાઉસના ટર્નીંગ પાસે ગઇકાલે રાત્રે પૂરપાટ ઝડપે ઇનોવા કાર ચલાવી એક એકટીવાચાલકને ઉડાવી મોત નીપજાવવાના ચકચારભર્યા બનાવમાં આ ઇનોવા કાર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની હોવાનું સામે આવતાં સમગ્ર મામલો ગરમાયો છે. વિવાદ વકરતાં આજે કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારનો આરોપી ડ્રાઇવર દેવેન્દ્ર ભાવસાર કાર સાથે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, ભોગ બનનાર એકટીવાચાલકના પરિવારમાં તો શોકનો માતમ પથરાયો છે. મૃતકની પત્નીએ ચોધાર આંસુએ રડતાં રડતાં આરોપી ડ્રાઇવર પર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, અમે હવે નોધારા થઇ ગયા, અમારું કોણ ? મારા છોકરાઓ હજુ નાના છે, તેમને કોણ ભણાવશે અને હવે હું કોના સહારે જીવીશ.

             મારે ન્યાય જોઇએ છે બસ મને ન્યાય અપાવો. અમે અમારા ઘરનો મોભી ગુમાવ્યો છે, હવે અમે કોના સહારે જીવીએ?  અકસ્માત બાદ ધારાસભ્યએ તેમના પર શું વીતી રહી છે તે જોવાની પણ દરકાર કરી નથી.  અમારી ઊંઘ હરામ કરીને તે ઊંઘી રહ્યો છે, મારા પતિને જો સમયસર સારવાર મળી હોત તો તેમનો જીવ બચી ગયો હોત. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાત્રે શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર આવેલા ગોકુલ ફલેટ્સ એન્ડ રોહાઉસના ટર્નીંગ પાસે ગઇકાલે રાત્રે પૂરપાટ ઝડપે ઇનોવા કાર ચલાવી એક એકટીવાચાલક પ્રફુલભાઇ પટેલ(સત્તાધાર, સ્વાગત એપાર્ટમેન્ટ)ને ઉડાવી ઇનોવાનો ચાલક ફાર થઇ ગયો હતો. અકસ્માત વખતે ગોકુલ ફલેટ્સ એન્ડ રોહાઉસના જાગૃત યુવકોએ તાત્કાલિક ૧૦૮ બોલાવી ઇજાગ્રસ્ત પ્રફુલભાઇને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. જો કે,ગંભીર ઇજાઓ થવાના કારણે પ્રફુલભાઇ પટેલનું કરૂણ મોત નીપજયું હતું. સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજ સામે આવતાં ઇનોવા કારના ચાલકની ફુલસ્પીડ અને ગંભીર બેદરકારી સામે આવી હતી.

             પ્રાથમિક પોલીસ તપાસમાં આ ઇનોવા કાર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની હોવાનું સામે આવ્યું હતું. જો કે, શૈલેષ પરમારે સ્પષ્ટતા કરી હતી કે, બનાવ બન્યો ત્યારે કાર તેમનો ડ્રાઇવર ચલાવતો હતો અને પોતે કારમાં ન હતા. દરમ્યાન આજે તપાસમાં સાથ સહકાર આપવાના ભાગરૂપે શૈલેષ પરમારનો ડ્રાઇવર દેવેન્દ્ર ભાવસાર પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. સીસીટીવી ફુટેજમાં પણ વાત સ્પષ્ટ થઇ હતી કે, ઇનોવા ગાડીની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગતાની સાથે જ પ્રફુલભાઇ રોડ ઉપર પટકાયા હતા અને ઢસડાયા હતા. બે સેકન્ડમાં તો, ઇનોવા ફુલસ્પીડમાં ટક્કકર મારી ત્યાંથી નીકળી ગઇ હતી. પ્રફુલભાઇને માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રફુલભાઇનું મોત નીપજ્યું હતું. સૌથી મહત્વની વાત તો એ છે કે, ગોકુલ ફલેટ્સ એન્ડ રોહાઉસના આ ટર્નીંગ પર બમ્પ કે સ્પીડબ્રેકર મૂકવા સ્થાનિક રહીશોએ ઘણા સમયથી અમ્યુકો સહિતના સત્તાવાળાઓ સમક્ષ માંગ કરી છે પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે અહીં બમ્પ કે સ્પીડબ્રેકર મૂકાતા નથી, જેના પગલે વારંવાર આ રોડ પર અકસ્માતો સર્જાયા કરે છે. તંત્રની ઘોર બેદરકારીને લઇ સ્થાનિક લોકોએ ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો કે, જો, અહીં બમ્પકે સ્પીડબ્રેકર હોત તો આજે કોઇ નિર્દોષનો જીવ બચી ગયો હોત.

(8:49 pm IST)
  • પોરબંદરના કુતિયાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટું :જગતના તાતની હાલત કફોડી બની access_time 11:23 pm IST

  • પાંચમી ડિસેમ્બરે રિઝર્વ બેન્ક સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો જાહેર કરી શકે છે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે access_time 10:49 pm IST

  • ઇમરાન ખાનનો આ છેલ્લો મહિનો : ઈમરાનને સતાથી હટાવવા માટેની આઝાદી માર્ચે ઐતિહાસિક ગણાવી મૌલાનાએ કહ્યું કે તેની પાર્ટી દેશભરમાં પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે : મૌલાનાએ એમ પણ કહ્યું કે પનામા પેપર આંતરરાષ્ટ્રીય દબાણનો મામલો હતો જેનો ઉપયોગ રાજનૈતિક નેતૃત્વના વિરોધમાં કરાયો access_time 1:11 am IST