Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સાંતલપુરના ઝેકડા નજીક પસાર થતી કેનાલમાં ગાબડું પડતા જીરાના વાવેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન

સાંતલપુર:તાલુકાના ઝેકડા ગામ નજીકથી પસાર થતી જારુષા માયનોર એક કેનાલમાં પાણી વધુ પડતુ છોડવામાં આવતા કેનાલ ઉપરથી પાણી પસાર થતા કેનાલની માટી ધોવાઈ દસેક ફુટનું ગાબડુ પડયું હતું. માયનોર કેનાલમાં પડેલ ગાબડાને કારણે ચૌધરી રમેશભાઈ દેવરાજભાઈના ખેતરમાં બે ફુટ જેટલું પાણી ભરાયું હતું. કેનાલમાં પડેલ ગાબડાને કારણે ખેતરમાં પાણી આવવાથી ખેતરમાં વાવેતર કરેલ જીરાના પાકને મોટાપાયે નુકશાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.  જ્યારે કેનાલના અંદરના ભાગે પણ માટી અને ઘાસચારો ઉગવાને કારણે પાણી કેનાલની બહાર નીકળી જતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જ્યારે ઝેકડા ગામના ખેડૂત મઘાભાઈએ જણાવ્યું હતું કે ત્રણેક દિવસ અગાઉ આજ કેનાલ આગળથી તુટી હતી. પરંતુ નિગમના અધિકારી દ્વારા અમારી આગળથી તુટી હતી. જે બાબતે નર્મદાના ઈજનેરને જાણ કરવામાં આવી હતી. પરંતુ નિગમના અધિકારી દ્વારા અમારી  વાત સાંભળવામાં આવી ના હતી અને અમારે જાતે કેનાલ ઉપર માટીની થેલીઓ નાંખીને કેનાલમાં પડેલ ગાબડુ બંધ કરવું પડયું હતું.   જ્યારે તમામ ગેટ પર ગેટમેનો રાખેલા હોવાછતાં કેવી રીતે ખેડૂતો દરવાજા ખોલશે કે તેવું પુછતા ઈજનેરે ગલ્લા તલ્લા કર્યા હતા. પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા નિગમના અધિકારી અને કર્મચારીઓ ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવાની કોશીશ કરતા હોવાનું જણાઈ આવતું હતું.

(5:23 pm IST)