Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

અમદાવાદના પાંજરાપોળ BRTS અને બાઇક વચ્ચે અકસ્માતમાં બેના મોત બાદ ચેકીંગ કરતા ડ્રાઇવરો મોબાઇલ સાથે રાખીને ડ્રાઇવિંગ કરતા હોવાનું ખુલ્યુ

અમદાવાદ :પાંજરાપોળ ખાતે થયેલા બાઈક અને બીઆરટીએસ બસ વચ્ચેના અકસ્માત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં દોડધામ મચેલી છે. બીઆરટીએસના જુના તમામ અધિકારીઓની બદલી કરાયા બાદ નવા અધિકારીઓએ બીઆરટીએસના સંચાલન અંગેની જાત તપાસ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત શહેરમાં પથરાયેલા બીઆરટીએસના વિવિધ રૂટ પર અધિકારીઓએ નિરીક્ષણ કર્યુ છે. જે અતંર્ગત અધિકારીઓને બસના 2 ડ્રાઇવર મોબાઇલ સાથે મળી આવતા તેમને બે દિવસમાં ફરજ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.

બીઆરટીએસ અકસ્તાતનો મામલો વધતા અધિકારીઓ દ્વારા અમદાવાદમાં વિવિધ 20 સ્થળોએ 275 બસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ ડ્રાઈવરો પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ બીઆરટીએસ બસનો ડ્રાઈવર ચાલુ બસે વીડિયો સોન્ગ જોતો વીડિયો સામે આવ્યો હતો. આ ડ્રાઈવર બિન્દાસ્ત રીતે વીડિયો જોતા ગાડી ચલાવી રહ્યો હતો.

નોંધનીય છે કે, પાંજરાપોળ અકસ્માતનો મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હોવાથી એએમસીના શાષકો અને અધિકારીઓ પર મોટું દબાણ આવ્યુ છે. જેથી કમિશ્નરે બીઆરટીએસ બસમાં ડ્રાઇવરોને મોબાઇલ સાથે પ્રવેશ ન આપવાની જાહેરાત કરી હતી. તો બીઆરટીએસ કોરીડોરમાં ઘૂસતા ખાનગી વાહનો સામે પણ મોટી ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત અત્યાર સુધી 4 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. ખાનગી વાહનો બીઆરટીએસ ટ્રેકમાં ન ઘૂસે તે માટે બાઉન્સર્સ પણ રાખવાની ફરજ તંત્રને પડી હતી.

(4:45 pm IST)