Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સરકાર બળાત્કારના આરોપીને ફાંસી આપવા માટે માંગ કરશે

રાજ્યમાં વધતી ઘટનાઓ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત : દુષ્કર્મના કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે : પીડિતાઓને ન્યાય અપાવવા સરકાર સ્પેશિયલ પીપીની નિમણૂંક કરશે

અમદાવાદ, તા. : હાલ રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ગંભીર ઘટનાઓને લઈ રાજયનું ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે. રાજકોટ, વડોદરા અને સુરતમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ ગૃહ વિભાગ એકાએક સફાળુ જાગ્યું છે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સરકાર દુષ્કર્મના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા કટિબદ્ધ છે. કેસના ટ્રાયલ  દરમ્યાન રાજ્ય સરકાર બળાત્કારીને ફાંસી સજાની માંગ અને ઉગ્ર રજૂઆત કરશે. તેમજ પીડિતાઓને ત્વરિત ન્યાય અપાવવા માટે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક પણ કરશે. પીડિતાઓ અને તેમના પરિવારજનોને ઝડપથી ન્યાય અપાવવાનો સરકારનો પ્રયાસ રહેશે.

               આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, દુષ્કર્મના સંબંધિત કેસોમાં પીડિતાઓને આર્થિક સહાય કરવામાં આવશે. તો સાથે સાથે પોલીસ તંત્રને અવાવરૂ સ્થળ અને જગ્યાઓ પર પેટ્રોલીંગ અને સતત વોચ રાખવાની સૂચનાઓ જારી કરી દેવામાં આવી છેગુજરાતની એક પણ દિકરી સાથે આવી ઘટના બને તે માટે તમામ એસપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ૧૮૧ અભયમ ટીમને પણ સાવચેત કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે ગુડ ટચ તથા બેડ ટચ અંગે જાગૃતિ લાવવાનાં પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

             ઉલ્લેખનીય છે કે, સુરતમાં થયેલા બળાત્કારના કેસમાં ફાંસીની સજા અપાઈ છે. જ્યારે વડોદરામાં થયેલા દુષ્કર્મમાં સ્કેચ બનાવી આરોપીની શોધખોળ ચાલુ છે અને રાજકોટમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં દુષ્કર્મના દુર્ભાગ્યપૂર્ણ બનાવો રોકવા અને આરોપીઓને તુરત પકડી સખત સજા અપાવવા સરકાર કટિબદ્ધ છે. હાલ રાજકોટ, વડોદરા અને સુરતમાં દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે ત્યારે રાજકોટ અને સુરતના આરોપી ઝડપાયા છે. અલબત્ત, વડોદરામાં સ્કેચ આધારિત ૫૦ થી વધુ પોલીસ જવાનોની ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલુ છે. ઝડપાયેલા નરાધમ આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરશે અને બળાત્કારના કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે તે માટે સરકાર હાઇકોર્ટને વિનંતી કરશે.

(9:47 pm IST)