Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લોકરક્ષક દળનું પેપર લીક મામલે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ: નર્મદા જિલ્લા કોંગ્રેસે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

દેશની ભાવી પેઢી અને શિક્ષિત બેરોજગારોને પરીક્ષાના ઢોંગ કરી છેતરતી સરકાર રાજીનામું આપે

નર્મદા :પોલીસ ભરતી માટેની લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરતો હુકમ કરાયો હતો. આ ઘટનાને શરમજનક અને નિંદનીય ગણાવી નર્મદા જિલ્લા કોંગ્રેસે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે રાજ્યપાલ ને સંબોધિને જિલ્લા કલેકટર આર.એસ.નિનામાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

  આ બાબતે નાંદોદનાં ધારાસભ્ય પી.ડી વસાવાએ જણાવ્યું હતું કે, દેશની ભાવી પેઢી અને શિક્ષિત બેરોજગારોને પરીક્ષાના ઢોંગ કરી છેતરતી આ સરકાર રાજીનામું આપે, ટાટ- ટેટ દ્વારા અનેક પરીક્ષાઓ લઈ શિક્ષિત બેરોજગારોને ભરમાવી પરીક્ષાઓ પાસ કરનારા શિક્ષિતોના પાંચ વર્ષ પુરા થઇ ગયા પણ ભરતી થતી નથી. નજીવા પગારોમાં વર્ગ 3, 2 ના આધિકારીઓ બનાવે છે અને એટલી વેઠ ઉતરાવે છે. સરકાર તાયફાઓ માંથી ઉંચી આવતી નથી તેમ કહી આ સરકારને જનતા હવે હાંકી કાઢવા માંગે તો મુખ્ય મંત્રી પોતાની જાતે રાજીનામુ આપે.

  જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદન સમયે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા,પ્રદેશ કોંગ્રેસ મંત્રી પ્રફુલ્લ પટેલ, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, ઉપપ્રમુખ જયંતિભાઈ વસાવા, જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ,મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષા વસાવા,તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ કપૂર ભીલ, બલવંતસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ સીએમ રૂપાણીના રાજીનામાંની માંગ કરતું આવેદનપત્ર કલેકટર આર.એસ નિનામાને સુપ્રત કરાયું હતું.

(8:00 pm IST)