Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

રાજ્યમાં ફરી ધણધણ્યું પોન્ઝી સ્કીમનું ભૂત : અશોક જાડેજા પર ૨૮ લાખની ઠગાઇનો આરોપ

પોન્ઝી સ્કીમનો બાદશાહ અશોક જાડેજા સકંજામાં : વિવિધ રાજ્યોમાં નોંધાયેલા છે ૧૨૬ કેસ

અમદાવાદ તા. ૩ : ગુજરાતમાં ૨૦૦૯માં એકના ડબલ કરી આપવાની સ્કીમે લોકોને રોવડાવ્યા હતા અને હવે ફરીથી પોન્ઝી સ્કીમનું ભૂત રાજયમાં ધૂણ્યું છે. ક્રાઈમ બ્રાંચે રવિવારે પોન્ઝી સ્કીમ ફરી શરૂ કરનારા અશોક જાડેજા, પ્રવિણ રાઠોડ ઉર્ફે પોપટ, ભરત રાઠોડ અને ધવલ રાઠોડની ધરપકડ કરી છે. આ વખતે ગુનેગારોએ ૧૫ દિવસમાં રોકેલા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી. અશોક અને પોપટ પર વિવિધ રાજયોમાં રહેતા છારા સમાજના લોકોના કરોડો રૂપિયા ચાઉં કર્યા હોવાનો આરોપ છે.

સરખેજ પોલીસે ૨૦૦૯માં રૂપિયા ભરેલી ગાડી સાથે અશોક અને પોપટની ધરપકડ કરી હતી. બાદમાં આ કેસ CID ક્રાઈમને સોંપાયો હતો. તાજેતરમાં જ અશોક અને પોપટ આ કેસમાં જામીન પર છૂટ્યા હતા. સરખેજ પોલીસને છ ફરિયાદ મળી જેમાં અશોક અને તેના સાગરિતે નવી પોન્ઝી સ્કીમ શરૂ કરીને ૨૮ લાખની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, આ વખતે એકના ડબલ કરનારી સ્કીમમાં છેતરાયેલા અમુક લોકો એવા છે જેમની સાથે ૨૦૦૯માં પણ ઠગાઈ થઈ હતી.

ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 'ક્રાઈમ બ્રાંચે ૬ અરજીઓ પોલીસ કમિશ્નર એ.કે. સિંહને આપી છે. આરોપીઓની અમે ધરપકડ કરી છે અને સોમવારે કોર્ટમાં રજૂ કરીશું.' આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર સી.એન. રાજપૂતે કહ્યું કે, આ વખતે કૌભાંડીઓએ બ્લૂ ડાયમંડ નામની કંપનીની રસીદ આપી છે અને રોકાણકારોને રૂપિયાના બદલામાં ઘડિયાળના બિલ આપ્યા છે.

ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે, ૨૦૦૯માં અશોક જાડેજા સામે દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં ૧૨૬ કેસ નોંધાયા હતા. સરખેજમાં ડોકટર તરીકે પ્રેકિટસ કરતાં અશોકે એવી વાત ઉડાવી હતી કે વહાણવટી સિકોતર માતાએ તેને આશીર્વાદ આપ્યા છે. છારા સમાજના કલ્યાણ માટે તે તેમના નાણાં એક મહિનામાં ડબલ કરી આપશે. અન્ય આરોપી પોપટની સામે ૩૬ કેસ નોંધાયા છે.(૨૧.૭)

(9:52 am IST)