Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગુજરાતમાધો.9થી 12માં પ્રવેશ બંધ કરવાના શિક્ષણ બોર્ડના તઘલઘી ફતવાથી સંચાલકોમા નારાજગી

શાળા સંચાલક મંડળ દ્વારા ફેરવીચારણા કરવા મંગળી

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓને હવે પ્રવેશ માટે મંજુરી આપવામાં નહીં આવે તે અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રને લઇને ગુજરાત રાજય શાળા સંચાલક મંડળ નારાજ થયું છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો પોતાના બાળકોને પરત બોલાવી રહ્યા છે ત્યારે પ્રવેશ બંધ કરવામાં આવતા આ બાળકો ક્યાં જશે તેવો વેધક સવાલ ઉપસ્થિત કર્યો છે. સરકાર દ્વારા બોર્ડને સુચના આપી ખાસ કિસ્સામાં પ્રવેશ ફાળવવામાં આવે તેવી માગણી પણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ના પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તક આપી હતી. જોકે, 31 ઓક્ટોબરના રોજ આ મુદ્દત પુર્ણ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર કરી હવે કોઈપણ વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા પ્રવેશ માટે મંજુરી આપવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી છે. આ પરિપત્ર બાદ ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સરકાર સમક્ષ પ્રવેશને લઈને માંગણી કરી છે.

ભાસ્કર પટેલે જણાવ્યું છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર કરી હવે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી છે, જે દુઃખદ છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીમેધીમે કાબુમાં આવતા અન્ય રાજ્યમાંથી મજુરી માટે ગુજરાતમાં આવેલા શ્રમિકો હવે પોતાના બાળકોને પણ પરત ગુજરાત બોલાવી રહ્યા છે. ત્યારે આ બાળકો ગુજરાત આવે ત્યારે પ્રવેશ બંધ હોવાના લીધે તેઓ ક્યાં ભણવા જશે તે એક મોટો પ્રશ્ન છે. હજુ તો દિવાળી પછી અનેક વિદ્યાર્થીઓ જે રાજ્ય બહાર છે તે ગુજરાત પરત આવશે ત્યારે તેમના પ્રવેશનો પ્રશ્ન ઉપસ્થિત થશે.

આ સ્થિતિમાં તેમણે સરકાર સમક્ષ માગણી કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શિક્ષણ બોર્ડને સુચના આપવી જોઈએ અને આવા વિદ્યાર્થીઓના કિસ્સાને ખાસ કિસ્સા તરીકે ગણી તેમને પ્રવેશ ફાળવવો જોઈએ. શાળા દ્વારા આવા વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ ન ફાળવવામાં આવે પરંતુ બોર્ડ દ્વારા મંજુરી આપે પછી જ પ્રવેશ આપવો જોઈએ. જેથી આવા અનેક વિદ્યાર્થીઓને અમુલ્ય વર્ષ બચી જશે. ઉપરાંત હાજરી અંગે પણ તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ ચાલતું હતું ત્યારે તેમાં હાજરી ગણવામાં આવતી ન હતી. ત્યારે આવા કિસ્સા પણ હાજરી ગણવી ન જોઈએ તેવી રજૂઆત કરી છે.

(10:04 pm IST)