Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ટીડીઓ ઓફીસમાં જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

બનાસકાંઠાનો ટીડીઓ રાજાપાઠમાં : ક્રિમિલેયર સર્ટિ લેવા ગયેલા વિદ્યાર્થીઓની સાથે ગાળાગાળી કરતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો

બનાસકાંઠા,તા.૩ : બનાસકાંઠાની ડીસા તાલુકા પંચાયતમાં ફરજ બજાવી રહેલા તાલુકા વિકાસ અધિકારી તેમની જ કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં અરજદારો સાથે બેહૂદું વર્તન કરતાં હોવાની ઘટના સામે આવી છે. મામલો વણસી જતાં ડીસા શહેર ઉત્તર પોલીસે તાલુકા વિકાસ અધિકારીની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂ બંધી છે અને અહી દારૂ પીવો ગુનો બને છે. ત્યારે ડીસાના તાલુકા વિકાસ અધિકારી તેમની જ કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે. આ આક્ષેપો તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારોએ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ડીસાની તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ દસ્તાવેજો માટે વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. આજે પણ આવકના દાખલા અને ક્રિમિલિયર સર્ટિફિકેટ લેવા આવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો ના મળતા વિધાર્થીઓ અકળાઇ ઉઠ્યા હતા અને આ અંગે ડીસા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકીને રજૂઆત કરવા માટે તેમની ચેમ્બરમાં ગયા હતા.

                અચાનક વિદ્યાર્થીઓ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જતાં તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓ સાથે ધક્કા મુક્કી કરવા ઉપરાંત ગાળા ગાળી પર ઉતરી આવ્યા હતા. આ ઘટનામાં રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી તેમની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં હતા અને તેના લીધે વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે જ્યારે મીડિયાકર્મીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારી અસાધારણ અવસ્થામાં જોવા મળ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું જણાતું હતું. મીડિયા સાથેની વાતચીતમા પણ તાલુકા વિકાસ અધિકારી યોગ્ય રીતે પ્રત્યુત્તર આપવા માટે સમર્થ જણાયા ન હતા. આ ઘટનામાં તાલુકા વિકાસ અધિકારી સભાન અવસ્થા ન હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે અને આજે બનેલી ઘટનાને પગલે પણ વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી ડીસાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને સમયસર પ્રમાણ પત્રો આપવામાં આવતા ન હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે જ્યારે આ અંગે રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી બેહૂદા વર્તન પર ઉતરી આવ્યા હતા અને સભાન અવસ્થામાં પણ ન હતા.

(5:50 pm IST)