Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગાંધીનગર:રાયસણ ગામના પેટાપરા વિસ્તારમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી વહેતા સ્થાનિકોની હાલત કફોડી

ગાંધીનગર: રાયસણ ગામના પેટાપરા હાથીપુરામાં છેલ્લા ઘણા સમયથી ગટરનું દુર્ગંધયુક્ત પાણી વહેતુ હોવાના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની જવા પામી છે. ગંદુપાણી સતત વહેતુ રહેવાના કારણે અસહ્ય દુર્ગંધનો સામનો કરીને અવર જવર કરવી પડી રહી છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે માટે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં કામગીરી કરવામાં આવતી નથી. જેના પગલે સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ રાયસણ ગામના પેટાપરા હાથીપુરામાં વસવાટ કરતાં રહિશો છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગામમાંથી પસાર થતી ગટરલાઇન લીકેજ હોવાના કારણે ગંદુ પાણી સતત વહેતુ રહે છે અને મુખ્ય અને આંતરિક માર્ગોની આસપાસ પાણી ભરાવાના કારણે અસહ્ય દુર્ગંધનો સામનો કરીને લોકોને અવરજવર કરવી પડે છે ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરાયા બાદ સ્થળ નિરીક્ષણ કરવામાં આવે છે પરંતુ કામગીરી નહીં કરાતાં લોકો તંત્રની ઢીલી નીતિ સામે રોષ પ્રગટ કરી રહ્યાં છે. આમ છેલ્લા બે માસથી આ સમસ્યા સર્જાવા છતાં તેનું નિરાકરણ લાવવામાં નહીં આવતાં સ્થાનિકોને પાણીજન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. સત્વરે આ સમસ્યા ઉકેલાય તેવી માંગ પણ ઉઠવા પામી છે. હાલમાં શિયાળાના દિવસોની શરૃઆત થઇ છે ત્યારે ગટરના ગંદા પાણી ઉભરાવાના પગલે લોકોને અવરજવરમાં પણ હેરાન પરેશાન થવું પડે છે તો વાતાવરણ પણ પ્રદુષિત ગંદા પાણીના કારણે થઇ રહ્યું છે. 

(5:44 pm IST)