Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

શ્રીનાથ કાર્ગો પાર્સલની આડમાં લઇ અવાતો દારૂ ઝડપી લેતી સોલા પોલીસ

મોટી માત્રામાં બિયરનો જથ્થો ઝડપાયોઃ પોલીસે ડ્રાઈવર સહિત બે શખ્સની ધરપકડ કરી છે

અમદાવાદઃ રાજયમાં દિવાળી પહેલાં બુટલેગરો સક્રિય બની ગયા છે. ગુજરાતમાં રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી દારૂ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે સોલા પોલીસે એસપી રિંગ રોડ પરથી મોટી માત્રામાં બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ડ્રાઈવર સહિત બે શખ્સની ધરપકડ કરી છે. શ્રીનાથ કાર્ગો પાર્સલની આડમાં આ દારૂ લવાતો હતો.
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાને બાતમી મળી હતી કે કાર્ગો પાર્સલની આડમાં બિયર અમદાવાદમાં લાવવામાં આવી રહ્યું છે જેના આધારે પીએસઆઇ જે.જે રાણા અને ટીમે એસપી રિંગ રોડ પર ઓગણજ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. રાજસ્થાન પાસિંગનું બાતમીવાળું કન્ટેનર આવતાં પોલીસે રોકયું હતું. પોલીસે ટ્રકમાં બેઠેલા શખ્સની પૂછપરછ કરતા તેમનું નામ મહેન્દ્રસિંહ ચૌહાણ અને રણજીતસિંહ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કન્ટેનરમાં શું છે અને ક્યાં લઈ જાઓ છો તેવા સવાલો કરતા બન્ને આરોપીઓ ગભરાઈ ગયા હતા. ત્યારે પોલીસે કન્ટેનરની તલાસી લીધી તો 35 પાર્સલ પડ્યા હતા. જેમાં શ્રીનાથ કાર્ગો પ્રાઇવેટ લીમીટેડના હતા. પાર્સલ ખોલીને જોતા 62 પેટી બિયરની મળી આવી હતી. પીએસઆઇ જે.જે રાણાએ જણાવ્યું હતું કે રાજસ્થાનથી ભરી બીયર મહેસાણા લઇ જવાનું હતું ત્યાં લઈ જવાના બદલે અમદાવાદ આવ્યા હતા અને બાતમી મળતા વોચ ગોઠવી ઝડપી પાડયું હતું.પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)