Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અમદાવાદ-વડોદરા એક્‍સપ્રેસ હાઇવે ઉપર આણંદ ટોલ ટેક્‍સથી નડિયાદ તરફ આવતા રોડ નજીક વાહનો ઉપર અજાણ્‍યા શખ્‍સો દ્વારા પથ્‍થરમારોઃ સદનસીબે જાનહાનિ કે ઇજા નથી

નડિયાદ ટાઉન અને ચકલાસી પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

આણંદ: દિવાળી ટાંણે જ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મોટી ઘટના બની છે. ધનતેરસની રાતે હાઈવે પર આવતી જતી ગાડીઓ પર પથ્થર મારવાની ઘટના બની છે. વડોદરાથી અમદાવાદતરફ જતી કેટલીક કારો પર પથ્થર મારવામાં આવ્યા હતા. આણંદ ટોલટેક્સથી નડિયાદ તરફ આવતા 2 કિલોમીટર દૂર ઘટના બની હતી. આ ઘટનાને પગલે આણંદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. જોકે હાઇવે પર કોઈ જગ્યાએ કાચ પડ્યાના નિશાન પોલીસને જોવા મળ્યા ન હતા. આણંદ એલસીબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર પથ્થરમારાની ઘટના આણંદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં બની છે. મંગળવારે રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં વડોદરાથી અમદાવાદ જતી ગાડીઓ પર પથ્થર ફેંકાયા હતા. આણંદથી થોડા આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડે પાર્ક કરેલી હાલતમાં હતા. તથા કેટલાંક વાહનોના કાચ તૂટેલા હતા. સામરખા ગામની હદ પાસે કેટલાંક ઈસમો દ્વારા જઈ રહેલા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

જેથી આણંદનાં DYSP ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર ચાલકોની પૂછપરછ હાથ ધરી હતી. એક્સપ્રેસ વેની ટીમ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી. જેમાં એક કાર ચાલક ઘાયલ થયાનાં સમાચાર મળ્યા છે. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. જાણ થતા જ પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ કરાયું હતું. જોકે, અજાણ્યા ઈસમો પોલીસને હાથ લાગ્યા નહોતા.

નડિયાદ ટાઉન અને ચકલાસી પોલીસ નડિયાદ પાસે આવેલ એક્સપ્રેસ વે પર પહોંચી તપાસ કરી હતી.

(3:54 pm IST)