Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવના નથી : શિયાળો ટનાટન રહેશે

અરબીસમુદ્રમાં હવાનું હળવું દબાણ મજબૂત બની વેલમાર્ક લોપ્રેસરમાં ફેરવાશે : આ સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર સુધી પહોંચે એ પહેલાં જ વિખેરાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા : આવતા સપ્તાહથી ઠંડીમાં ક્રમશઃ વધારો થાય તેવું અનુમાન : હિન્દ મહાસાગરમાં લા નિનો કન્ડિશન ન્યુટ્રલ રહેશે જે મજબૂત શિયાળાના સંકેત દર્શાવે છે, આ ઉપરાંત આવતા વર્ષના ચોમાસા માટે પણ આ કન્ડિશન ફેવરેબલ ગણાય : એન.ડી. ઉકાણી

રાજકોટ, તા. ૩ : અરબીસમુદ્રામાં એક સિસ્ટમ્સ બની રહી છે, જુદા જુદા ફોરકાસ્ટ મોડેલોમાં માવઠાની સંભાવના દર્શાવે છે, પરંતુ સૌરાષ્ટ્રમાં માવઠાની કોઈ સંભાવના ન હોવાનું અને આ વર્ષે શિયાળો પણ ટનાટન રહેશે એટલે કે જોરદાર ઠંડી પડશે તેમ હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટ શ્રી એન. ડી. ઉકાણીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે અરબીસમુદ્રામાં લક્ષ્યદ્વિપ ટાપુ પાસે હવાનું હળવું દબાણ તા. ૫ નવેમ્બરના બનશે ત્યારબાદ મજબૂત બની વેલમાર્ક લોપ્રેસરમાં પરિવર્તિત થશે. જેની દિશા નોર્થ વેસ્ટરલી સંભવિત છે. જેની અસરથી તા. ૮ થી૧૦ નવેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવના અમુક મોડેલોમાં દર્શાવે છે. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ સૌરાષ્ટ્ર સુધી એન્ટી સાયકલોનીક વિન્ડ વધુ મજબૂત જોવા મળે છે. તેમજ વર્ટિકલ વિન્ડ સિયરનો અભાવ હોય છે. જેની સંયુકત અસરથી સૌરાષ્ટ્ર સુધી આવવાની શક્યતા ગણી શકાય નહીં. આ સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર સુધી પહોંચે એ પહેલાં જ વિખેરાઈ જશે.

શ્રી એન. ડી. ઉકાણી વધુમાં જણાવે છે કે હાલ પ્રશાંત મહાસાગરમાં વિષુવવૃત પ્રદેશ ઉપર લા નિનો કન્ડિશન જોવા મળે છે જે માર્ચ ૨૦૨૨ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. જ્યારે હિન્દ મહાસાગરમાં લા નિનોની કન્ડિશન ન્યુટ્રલ રહેશે. જે મજબૂત શિયાળાના સંકેત દર્શાવે છે. આ ઉપરાંત આવતા વર્ષે ચોમાસા માટે પણ આ કન્ડિશન ફેવરેબલ ગણાય.

ગંગાનગર રાજસ્થાન ઉપરથી પસાર થતી જેટસ્ટ્રીમ જે સપાટીથી ૧૨ કી. મી. ઉંચાઈએ હોય છે તેની સ્પીડ ૨૫૦ કી. મી. થી વધુ વિન્ડ સ્પીડ હોય છે. જેની દિશા પૂર્વ તરફ આગળ વધતી હોય છે. જેના પ્રભાવના લીધે કોલ્ડવેવમાં વધારો થતો હોય છે. આવતા અઠવાડિયે જેટસ્ટ્રીમ દક્ષિણ તરફ ઝુકાવ થશે, જેથી ઠંડીમાં ક્રમશઃ વધારો થાય.

(2:56 pm IST)