Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

BHO ડૉ.એ.કે.સુમનના સહયોગથી રાજપીપળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પરિવાર “નોંધારાનો આધાર” પ્રોજેક્ટના લાભાર્થીઓ સાથે દિપાવલી-નૂતન વર્ષ પર્વ ઉજવશે

અનાથ બાળકોને નવા કપડા-પગરખાં-મીઠાઇ-ફટાકડાનું કરાયું વિતરણ :રસીકરણના ૧૦૦ કરોડ કોવિડ ડોઝ આપવાની વૈશ્વિક સિધ્ધિની આરોગ્ય યોધ્ધાઓની અનોખી પ્રેરક ઉજવણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી સંદર્ભે દેશભરના નાગરિકોને રક્ષિત કરવા માટે રસીકરણના ૧૦૦ કરોડ કોવિડ વેક્સિનેશનના ડોઝ આપવાની વૈશ્વિક સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે, ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બ્લોક હેલ્થ ઓફીસર ડૉ. એ.કે.સુમનના સહયોગથી રાજપીપલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૧૫ જેટલાં આરોગ્યકર્મી પરિવારે સરકારની ૧૦૦ કરોડ વેક્સીનેશનના ડોઝની સિધ્ધિને દિપાવલી-નૂતન વર્ષનું પર્વ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટના લાભાર્થીઓ સાથે પ્રેરક અને અનોખી રીતે ઉજવવાના કરેલા  સંકલ્પ અંતર્ગત આ પ્રોજેક્ટ હેઠળના ૬ અનાથ બાળકોને એક જોડી નવા કપડા-પગરખાં-મીઠાઇ અને ફટાકડાનું વિતરણ કરીને આ અનાથ બાળકોના જીવનમાં નવજ્યોત દ્વારા સાચા અર્થમાં ઉજાસ પાથરવાનું સરાહનીય કાર્ય કર્યું છે.

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ રાજપીપલામાં “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ ૧૩૩ જેટલા લાભાર્થીઓને દિપાવલી પર્વ તા. ૪/૧૧/૨૦૨૧ ના રોજ સાંજે તેમજ નૂતન વર્ષ નિમિત્તે  તા.૫/૧૧/૨૦૨૧ ના રોજ સવાર- સાંજનું ભોજન પિરસવાની સાથે નૂતન વર્ષની આ ઉજવણીમાં તેમની સાથે સહભાગી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના  માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અમલમાં મુકાયેલ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટના લાભાર્થીઓે માટે  નર્મદા જિલ્લા ઉપરાંત રાજપીપલાના શહેરીજનો દ્વારા  વ્યક્તિગત-સામૂહિક અને સંસ્થાકીય રીતે  વિવિધ સાધન-સામગ્રી સહાયના રૂપમાં સહયોગ સાંપડી રહેવાની સાથે લોકોને પણ સહયોગી બનવાની પ્રેરણા મળી રહી છે, જેના ભાગરૂપે નાંદોદ તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડૉ. એ.કે.સુમનની દિકરીના તા.૧/૧૧/૨૦૨૧ ના જન્મદિનની ઉજવણી ઉક્ત પરિવારો સાથે કરવાના ડૉ.સુમને કરેલા નિર્ણયને રાજપીપલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય યોધ્ધાઓએ પણ વધાવી લોધો હતો અને આ પ્રોજેક્ટના પ્રત્યેક લાભાર્થીઓને કોવિડ પ્રતિરોધક રસીકરણની કામગીરી દરમિયાન જ આવા પરિવારોને આપણે પણ દિવાળીના તહેવારોમાં કંઇક મદદરૂપ થવું જોઇએ તેવી જાગેલી ભાવનાને સાચા અર્થમાં અમલમાં મુકવાનું બળ પ્રાપ્ત થતાં, સુપરવાઇઝર વિરાજભાઇ પટેલ અને ફાર્માસિસ્ટ સુ રચનાબેન કનોજીયાના સુચારા સંકલન સાથે ઝડપાયેલા ઉક્ત બીડાએ અન્યોને પણ આ દિશાની રાહ ચિંધી છે.

(10:24 pm IST)