Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

'આત્મનિર્ભર’ અને ‘વોકલ ફોર લોકલ’ની માત્ર જાહેરાતો : સરકાર સ્થાનિક ઉત્પાદકો પાસેથી ચીજ વસ્તુઓ કયારે ખરીદશે ? : કોંગ્રેસ

વર્ષ 2021માં સ્વચ્છ મિશનમાં 1, 41, 675 કરોડ જેટલી મોટી નાણાકીય જાહેરાત પણ સ્વચ્છતા અભિયાન માટેની મશીનરી ખરીદી તથા અન્ય કેમિકલ, પેઈન્ટ, પ્લાસ્ટિકનાં સાધનો જેવી 35 % ખરીદી ચાઈનીઝ બનાવટની વસ્તુઓ સરકારે ખરીદી

અમદાવાદ ;સ્માર્ટસીટી અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગરમાં ચાઈનીઝ કંપનીઓના સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઓટોમેટેડ પોલ, સહિતની અનેક મશીનરીઓની ખરીદી કરનાર ભાજપ શાસકો ક્યા મોઢે “વોકલ ફોર લોકલ”નાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી રહ્યા છે ? તેનો જવાબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ માંગ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2013માં ચાઇના ડેવલોપમેન્ટ બેન્ક કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ વર્ષ 2015માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે 30,000 કરોડનાં 24 MOU કરી મસમોટા રોકાણની જાહેરાત કરી હતી જેમાં ટેક્સટાઇલ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્માર્ટ સિટી અને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ સ્થાપવાની જાહેરાત થઈ હતી. વર્ષ 2017માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાઇનીઝ કંપની 37,500 કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરી હતી. વર્ષ 2019માં 10,500 કરોડના રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ધોલેરા અને કરજણ ખાતે બનશે જેમાં 15,000 ગુજરાતી યુવાનોને રોજગાર મળશે અને કાયાપલટ થશે પરંતુ જમીન પર કશું આવ્યું નથી અને સ્પેશીયલ ઇન્ડસ્ટ્રીયલ રીજીયન ધોલેરા પાંચ ઇંચ જ જેટલા વરસાદમાં બેટ-ટાપુ રૂપાંતર થઈ જાય છે.

ડો. મનીષ દોશીએ વધુમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન 2014માં જાહેર કર્યું ત્યારે છેલ્લા સાત વર્ષમાં 65,000 કરોડ રૂપિયાની ફાળવણી અને વર્ષ 2021માં સ્વચ્છ મિશનમાં 1, 41, 675 કરોડ જેટલી મોટી નાણાકીય જાહેરાત પણ સ્વચ્છતા અભિયાન માટેની મશીનરી ખરીદી તથા અન્ય કેમિકલ, પેઈન્ટ, પ્લાસ્ટિકનાં સાધનો જેવી 35 % ખરીદી ચાઈનીઝ બનાવટની વસ્તુઓ સરકાર ખરીદી રહી છે અને આ ચાઈનીઝ કંપની કાર્પેટ પર બેસીને “આત્મનિર્ભર” અને “વોકલ ફોર લોકલ”ની મોટી મોટી જાહેરાતો કરી છે. વાસ્તવમાં ભાજપાની ચાલ, ચલન, ચરિત્ર અને ચહેરો આ છે.

તેમણે વધુમાં કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી મોદીના 2011ના શાસનમાં ફ્લાઈટ કનેક્ટિવિટી મેટ્રો ટ્રેન ,બુલેટ ટ્રેન, મોટા પાયે હાઉસિંગ, કૃષિ અને વન, રમતગમત અને પ્રવાસન સહિતના 30થી વધુ જુદા જુદા MOU થયા પણ કેટલું‌ રોકાણ આવ્યું ? રોજગારીની કોઈ નક્કર વાત નહીં આ જ રીતે વર્ષ 2011 માં ચાઇના એનર્જી કંપની દ્વારા ગ્રીન પાર્ક નામે 2500 કરોડના રોકાણની જાહેરાત કરી હજી સુધી આ કંપની જમીન પર કઈ જગ્યાએ પાર્ક બન્યો ? કેટલું વીજ ઉત્પાદન થયું ?

ડો. દોશીએ વધુમાં સરકારને આડે હાથ લેતા જણાવ્યું છે કે, ચાઇના ભારતના “મેપ(સુરક્ષા)” સાથે રમત રમે, કેન્દ્ર સરકાર “એપ” પર પ્રતિબંધ મૂકે પણ ખરેખર તો ચાઇનીઝ ચીજવસ્તુઓનીં ભાજપ સરકાર ખરીદી ક્યારે બંધ કરશે ? તે ગુજરાત જાણવા માગે છે. ત્યારે સામાન્ય જનતાને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અને બાળકોને ચાઈનીઝ રમકડાંનો બહિષ્કાર માટે હલ્લાબોલ કરતાં કહેવાતી રાષ્ટ્રવાદી ભાજપ તેમના વિશેષ ચાઇના પ્રેમ અંગે દેશ અને ગુજરાતની જનતાને જવાબ આપે.

 

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાંચ વખત અને દેશના વડાપ્રધાન તરીકે ચાર વખત ચીનની મુલાકાત લીધી પણ ગુજરાત અને દેશને શું મળ્યું ?

નવું રોકાણ કેટલું આવ્યું ? અને કેટલા યુવાનોને રોજગારી મળી ?

આપણા સૈનિકો શહીદ થાય ત્યારે ગુજરાતમાં ચાઇના અને ચાઈનીઝ કંપનીઓના હિતો સાથે કરેલ રોકાણની જાહેરાતો અને તેની આજની સ્થિતિએ જમીની હકીકત શું?

દેશની સુરક્ષાને જોખમમાં મુકતી ચાઈનાની જાસૂસીનાં કચ્ચા ચિઠ્ઠા ખુલ્લી ગયા તેમ છતાં ભાજપ સરકારનો આટલો ચાઈના પ્રેમ કેમ?

ભારતનાં શહીદોનાં ભોગે વ્યાપાર-કરાર કરનાર ભાજપ, માત્ર ચીની વસ્તુઓ, રમકડા,નો બહિષ્કારનું નાટક કરી પાછલા બારણે ચીનને કરોડો રૂપિયાનાં લાભો અને વિશેષ પ્રેમ કેમ આપી રહી છે?

‘‘આત્મનિર્ભર’’ અને ‘‘વોકલ ફોર લોકલ’’ની માત્ર જાહેરાતો પણ હકીકતમાં ભાજપ સરકાર ક્યારે સ્થાનિક ઉત્પાદકો પાસેથી ચીજ વસ્તુ ખરીદશે ?

(9:59 pm IST)