Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ગુજરાત ભાજપનું નવું માળખું તૈયાર કરવા માટે કવાયત શરૂ

પ્રદેશથી બુથ સુધીના હોદ્દેદારોની નિમણૂંક કરાશે : ડિસેમ્બર મહિનામાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ હોદ્દેદારોની નિમણૂંકની મહત્વની કામગીરી : હારના કારણોની સમીક્ષા

અમદાવાદ, તા.૨ : રાજ્યની પેટાચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ ભાજપ (મ્ત્નઁ) કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠકોનો દોર ચાલુ થયો છે. જેમાં ત્રણ બેઠકો પર તાજેતરમાં મળેલી હાર અને ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પ્રદેશના નવા હોદ્દેદારોની નિમણૂક અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નજીકના દિવસોમાં જ હવે ગુજરાત ભાજપનું નવુ માળખુ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવશે. જેમાં પ્રદેશથી લઇ બુથ સુધીના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે. જો કે, નવા માળખામાં તાજેતરની પેટાચૂંટણીમાં હાર માટે જવાબદાર પરિબળો અને લોકો પર ગાજ વાગશે તેવી પણ પૂરી શકયતા છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે દિવાળી અને પેટા ચૂંટણી ના પરિણામો બાદ ભાજપના મુખ્ય હોદ્દેદારોની પ્રથમ બેઠક એ મળી છે. આ બેઠકમાં પેટા ચૂંટણીમાં રાધનપુર,બાયડ અને થરાદ બેઠક પર મળેલ હાર અંગે સમીક્ષા કરવામાં આવી હતી, તો સાથે જ બુથ,મંડલ, શક્તિ કેન્દ્ર અને જિલ્લાના માળખાની સહરચના અંગે ની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

                     બીજી બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખ, જીલ્લા-મહાનગરના પ્રભારી, જીલ્લા/મહાનગરના પ્રમુખ-મહામંત્રી, સંગઠન પર્વના પ્રદેશ અને ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ, સંગઠન પર્વના જીલ્લા-મહાનગરના ઇન્ચાર્જ તથા પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ જીલ્લા-મહાનગરના સંરચના અધિકારી તથા સહ અધિકારીઓ સાથે સંગઠન સંરચનાની કામગીરી, સેવા સપ્તાહ કાર્યક્રમો, નમામિ દેવી નર્મદે કાર્યક્રમો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિ કાર્યક્રમો તથા સંપર્ક અભિયાન જેવા કાર્યક્રમોની સમીક્ષા તેમજ આગામી નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોના આયોજન અંગેની ચર્ચા તેમજ આગામી સંગઠનાત્મક કાર્યક્મો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. દરમ્યાન પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, નવા વર્ષ બાદ પ્રથમ બેઠક મુખ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં બેઠક મળી રહી છે. પ્રદેશ, જિલ્લા,અને મહાનગરના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા હતા. આગામી તા.૧ નવેમ્બરથી તા.૧૦ નવેમ્બર સુધીમાં મંડલ પ્રમુખ અને કારોબારી રચના પૂર્ણ થશે. તા.૧૫ નવેમ્બરથી જિલ્લા પ્રમુખ અને જિલ્લાના માળખાની રચના કરવામાં આવશે. તા.૨૮ ઓક્ટોબરથી ચાલુ થયેલા દિવાળી સ્નેહમિલન તા.૧૦ નવેમ્બર સુધી યોજાશે. સંગઠનના ૩ વર્ષના કાર્યક્રમોની પણ સમીક્ષા કરાશે. ડિસેમ્બર મહિનામાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ હોદ્દેદારોની નિમણૂંકની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે.

(10:56 pm IST)