Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મનોદિવ્યાંગ બાળકોને ફટાકડા ફોડાવી દિવાળી મનાવડાવાઇ

સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડની પ્રોત્સાહક ઇવેન્ટઃ ૧૦૦ જેટલા મનો દિવ્યાંગ બાળકોને ફટાકડા ફોડાવીને ઉજવણી કરાવ્યા બાદ પ્રોત્સાહન રૂપે ગીફ્ટ પણ અપાઇ

અમદાવાદ, તા.૩: શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ દ્વારા સંસ્થાના ૧૦૦ જેટલા મનો દિવ્યાંગ બાળકોને શિક્ષકોની મદદથી ફટાકડો ફોડાવડાવી દિવાળી પર્વની અનોખી ઉજવણી કરાવવામાં આવી હતી. શહેરના ભુયંગદેવ વિસ્તારમાં આવેલા શિવશકિત હોલમાં કરાયેલી આ ઉજવણીમાં મનો દિવ્યાંગ બાળકોની ખુશી અને ચહેરા જોઇ સૌકોઇ હરખાઇ ઉઠયા હતા. આ ખૂબ જ પ્રોત્સાહક ઇવેન્ટ પ્રસંગે મનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન માટે ગીફ્ટ અને મીઠાઇ પણ વિતરણ કરાયા હતા. આ અંગે ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ સંસ્થાના સંચાલક નીલેશ પંચાલે જણાવ્યું હતું કે, સંસ્થાના ૧૦૦થી વધુ બાળકો મનો દિવ્યાંગ અથવા તો મેન્ટલી ચેલેન્જડની કુદરતી થપાટ સામે ઝઝુમી રહ્યા છે અને છતાં તેઓ મક્કમ મનોબળ સાથે પોતાના નૈતિક જુસ્સાથી લડત આપી રહ્યા છે ત્યારે સંસ્થા દ્વારા અવારનવાર આ મનો દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ  વધારવા અને તેઓને પ્રોત્સાહન આપવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. દિવાળી પર્વને લઇ સંસ્થા દ્વારા આ વખતે ભુયંગદેવ સ્થિત શિવશકિત હોલમાં ૧૦૦ જેટલા મનો દિવ્યાંગ બાળકોને શિક્ષકોની મદદથી ફટાકડા ફોડાવડાવી ભારે હર્ષોલ્લાસ સાથે દિવાળી ઉજવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ ઉજવીને મનો દિવ્યાંગ બાળકોને પણ અન્ય બાળકોની જેમ તહેવાર અને પર્વની મહત્તા સમજાવવા અને તે ઉજવવાનો તેમનો પણ અધિકાર હોવાનો એક સામાજિક સંદેશો પ્રસરાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બધા જ મનો દિવ્યાંગ બાળકોને લાલ રંગની ટી શર્ટ પહેરાવવામાં આવી હતી અને તમામને એક હરોળમાં બેસાડી ફટાકડા ફોડાવવામાં આવ્યા હતા. કોઇ વિદ્યાર્થીને ફટાકડાથી દઝાય નહી કે ઇજા ના થાય તેનું સંસ્થાના શિક્ષકો દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

 લાયન્સ કલબ ઓફ સંવેદના દ્વારા આ મનો દિવ્યાંગ બાળકો માટે ફટાકડા અને જમવા માટે ઢોંસા સ્પોન્સર કરાયા હતા, જેને લઇ બાળકો ખુશ થઇ ગયા હતા. મનો દિવ્યાંગ બાળકોના ચહેરા પરની ખુશી માત્ર જોઇ ઉપસ્થિત સૌકોઇ હરખાઇ ઉઠયા હતા. આ પ્રસંગે લાયન્સ કલબ ઓફ આશાપલ્લી દ્વારા મનો દિવ્યાંગ બાળકોને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેઓને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(9:52 pm IST)