Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

બિલ્ડરો સાથે સંબંધ રાખનારને ખુલ્લા પાડવાની ચિમકી આપી

સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યાઃ આદિવાસીઓની જમીનો બારોબાર વેચી મારશો તો ખેર નથી, સરકારી અધિકારીઓને સુધરવા સાંસદની તાકીદ

અમદાવાદ, તા.૩ : ભાજપમાં આખાબોલા ગણાતા સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. રાજપીપળા ખાતે રાજપીપળા-રામગઢ વચ્ચેના પુલનાં ખાતમૂર્હૂતમાં મનસુખ વસાવાએ આદિવાસીઓની જમીન પડાવી લેવાનો મનસુબો ધરાવતા અને ખેડૂતોને ધમકાવી જમીન પડાવી લેવા કેટલાક અધિકારીઓ અને બિલ્ડરો સક્રિય હોવાનો તેમણે ઘટસ્ફોટ કર્યો હતો અને આ મામલે સ્પષ્ટ ચીમકી આપતાં તેમણે જણાવ્યું હતું કે, બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરનારા અધિકારીઓ ચેતી જજો, હું તમામને ઉઘાડા પાડીશ. આદિવાસીઓની જમીનો બારોબાર વેચી મારશો તો તમારી ખેર નથી. રાજપીપળાથી રામગઢ ગામને જોડતો પુલ બનવાની જાહેરાત બાદ કેટલાક બિલ્ડરો અને અધિકારીઓ આ પુલની આજુબાજુ ખેતી કરતા આદિવાસી ખેડૂતો પાસેથી જમીન પડાવી લેવાની ફિરાકમાં હોવાની ફરિયાદો સાંસદ મનસુખ વસાવાને મળતા આજે ખાતમૂર્હૂતનાં દિવસે જ તેમણે બધાને ઝાટકી નાખ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકારી જમીનો રાખી લેવાની કેટલાક બિલ્ડરોની માનસિકતા છે, પરંતુ અહીં કોઇએ ધંધો નથી કરવાનો આપણે સેવા કરવાની છે. પુલની આજુબાજુનાં ખેડૂતોની જમીન ન છીનવાય નહીતર મારે ન કહેવાનું કહેવાઇ જશે. તો તેમણે આ પ્રસંગે ગેરહાજર રહેલા ક્લેકટર કચેરી, પ્રાંતઅધિકારી અને મામલતદારની પણ આકરી ટીકા કરી હતી.  મનસુખભાઇએ બિલ્ડર લોબી સાથે સાંઠ-ગાંઠ રાખનાર નેતાઓ અને અધિકારીઓને સુધરી જવા સાફ સંકેત આપ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આ આદિવાસી જિલ્લો છે અને આદિવાસીઓના હિત માટે હંમેશા લડતો આવ્યો છું, આ માર્ગમાં આવતા આદિવાસીઓની જમીન માટે કોઈ અધિકારી પ્રેશર નહીં કરે અને જો તેમને અન્યાય થાય એવું કરશે તો ખેર નથી આમ કહી આધિકારીઓ સામે ખુલ્લી ચીમકી ઉચ્ચારતા સરકારી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. તો, પોતાના આજના નિવેદનને લઇ સાંસદ વસાવા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

(9:50 pm IST)