Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરમાં રાસોત્સવ

પંચમહાલ જીલ્લાના ૭ તાલુકાઓ પૈકીના શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર લાખ્ખો ભક્તોનું આસ્થા અને શ્રદ્ધા કેન્દ્ર છે. આ મંદિરના ૪૩ મા વાર્ષિક પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ભવ્ય અને દિવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવો માનવજીવનમાં અનોખા રંગ પાથરે છે. ઉત્સવ પ્રેમી જનતા અને ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા રાસોત્સવની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. રાસોત્સવ થકી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અને નાદ વંશ ગુરુપરંપરાની આરાધના કરતા બાળકો, યુવાનો અને વયસ્કો સંતો-ભક્તો રસ અને ટીમલીના તળે મંદિરના પટાંગણમાં મન મુકીને ઝૂમ્યા હતા. આ રાસોત્સવમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના રસ તેમજ ભક્તિથી તરબોળ કીર્તનો ગવાયા હતાં. મંદિરના પટાંગણની વચ્ચે કલાત્મક સુશોભિત ઊંચું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું તેના પાર્શ્વભાગને હિંડોળાથી -  ઇન્ડિયન કરન્સીથી મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી. શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ બિરાજ્યા હતા અને તેમની પાસે પૂજનીય સંતોએ સ્થાન શોભાવ્યું હતું. રાસ અને ટીમલીના તાને ખેલૈયાઓએ પ્રાચીન અને અર્વાચીન રાસની રમઝટ બોલાવી હતી. ચળકતી મોજડીથી લઇ ફરફરતા ફૂમતા સુધી અવનવા પરિવેશમાં સહુ કોઈ પી.પી. બારિયા અને રાકેશ રાવળના મધુર કંઠે ગવાયેલા કીર્તનો તાલે મનમુકીને મોડે સુધી ઝૂમ્યા હતા.

(3:40 pm IST)