Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

દિવાળીનો માહોલ જામ્યોઃ બજારોમાં ખરીદીનો ધમધમાટ

ખાનગી અને સરકારી કર્મચારીઓના પગાર થવા લાગતા ખરીદી માટે ભીડઃ બે દિવસની રજાના કારણે બજારમાં પગ મુકવાની જગ્યા બાકી નહીં બચે : આજથી દીપોત્સવી તહેવારોનો શુભારંભઃ રેડિમેઈડ કપડા, મીઠાઈ, ફરસાણ, મુખવાસની ખરીદી શરૂ

અમદાવાદ, તા. ૩ :. ઉજાશભર્યા દિપોત્સવી તહેવારનો આવતીકાલે રમા એકાદશી સાથે પ્રારંભ થશે. ખાનગી અને સરકારી કર્મચારીઓના પગાર થવા માંડયા હોય બજારોમાં ખરીદીનો કરંટ જોવા મળ્યો છે. શહેરના હાર્દસમા મુખ્ય બજાર વિસ્તારો રિલીફ રોડ, નારણપુરા, ઢાલગરવાડ, લાલ દરવાજા, ત્રણ દરવાજા, માણેક ચોક, મેમનગર, ગુરૂકુળ, ન્યુ કલોથ માર્કેટ, મસ્કતી, મોલ્સમાં ભીડ ઉમટી પડી હતી. રવિવારની રજાના દિવસે બજારોમાં પગ મુકવાની જગ્યા બાકી નહીં બચે તે નક્કી છે. દિવાળીની ખરીદી શરૂ થવા સાથે વેપારીઓને ભોજન કરવાનો પણ સમય મળતો નથી. રેડીમેઈડ કપડા ખરીદવા આજે પરિવારજનો ઉમટી પડયા હતા. નવા વર્ષે મહેમાનોનું સ્વાગત કરવા રસપ્રચુર મીઠાઈ અને ફરસાણની ખરીદી ગૃહિણીઓએ શરૂ કરી દીધી છે. મીઠાઈમાં અનેક નવી વેરાઈટીઓનું આગમન થયું છે. ફરસાણમાં ત્રણ આઈટમ નવી આવી છે.

કાજુ કતરીનું વધુ વેચાણ, મીઠાઈમાં ૨૦ ટકાનો ભાવ વધારો

નવા વર્ષમાં સાલ મુબારક કરવા આવતા મહેમાનોનું સ્વાગત મીઠાઈ અને ફરસાણથી કરવું હોય તો બજારમાં સ્વાદિષ્ટ અને રસપ્રચુર વેરાઈટીઓ આવી છે. આ વર્ષે રજવાડી દાળમુઠ, અમેરિકન દાળમુઠ અને કાશ્મીરી દાળમુઠ આવી છે. જેનો ભાવ કિલોના રૂ. ૪૩૦ થી રૂ. ૫૩૦ છે. ચવાણુ રૂ. ૧૬૦થી રૂ. ૫૦૦ સુધીનું મળે છે. મીઠાઈમાં કાજુ કતરીનું સૌથી વધુ વેચાણ થાય છે. કાજુ કતરી કિલોના રૂ. ૮૮૦ થી રૂ. ૧૦૫૦ સુધીનો ભાવ ચાલે છે. ગત વર્ષની સરખામણીએ ૧૫ થી ૨૦ ટકા સુધીનો ભાવ વધારો હોવાનું વેપારીઓએ જણાવ્યુ છે. મીઠાઈમાં કાજુ કતરી સિવાય સ્પે. કેસર મોહનથાળ અને ચાર ફલેવરમાં બાઈટસ બજારમાં આવ્યા છે. મીઠાઈની સાથે સાથે ચોકલેટનું વેચાણ પણ વધ્યુ છે.

બેસનના ભાવમાં ઘટાડો છતાં ફરસાણના ઉંચા ભાવ

ગૃહિણીઓના મતે આ વર્ષે ફરસાણના ભાવ ઉંચા છે. બેસનનો ભાવ ગત વર્ષે રૂ. ૧૨૦ સુધી પહોંચી ગયો હતો તેના કારણે ફરસાણના વેપારીઓએ પણ ભાવ વધારી દીધા હતા. હવે આ વર્ષે બેસનનો ભાવ પ્રતિ કિલો રૂ. ૭૦ છે તેમ છતા ફરસાણના ભાવમાં ઘટાડો થયો નથી. શુદ્ધ બેસનમાંથી જ ફરસાણ બનાવતા હોય તેવા વેપારીઓની સંખ્યા જૂજ છે.

ડાયજેસ્ટિવ મુખવાસ અને સોનપરી મુખવાસ મન મોહી લેશે

મુખવાસમાં આ વર્ષે કલકત્તી પાન, નેચરલ મુખવાસ, ડાયજેસ્ટીવ મુખવાસ, ખારો, જયપુરી-૧ અને ૨ મુખવાસ તથા સોનપરી મુખવાસની નવી વેરાઈટી આવી છે. મુખવાસ રૂ. ૨૦૦થી ૬૦૦ કિલો લેખે વેચાય છે. મુખવાસની સાથે સાથે આમળા, આદુની સુકવેલી કતરણો પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. ઉપરાંત હિંગ પેંડા, જીરા કેરી, તીખી કેરી, ટીનીમીની, ચટપટી આંબલી રસીલી વગેરે પણ ફેન્સી આઈટમ છે.

રેડિમેઈડ કપડાની બજારમાં તેજી, શો રૂમ અને દુકાનોમાં ગ્રાહકોની ભીડ

દિવાળીના પર્વ પર સૌથી વધુ ખરીદી નવા કપડાની થતી હોય છે. કંઈ નહીં તો છેવટે એક જોડી કપડા લોકો અચુક ખરીદીને નવા વર્ષે પહેરે છે. રેડીમેઈડ કપડાનું ચલણ સૌથી ટોપ પર ચાલી રહ્યું છે. જીન્સ, ટીશર્ટ, શર્ટમાં એટલી વેરાઈટી બજારમાં આવી છે કે, કયુ ખરીદવું અને કયુ છોડવુ ? તેની મુંઝવણ થઈ પડે. વેપારીઓને હાલમાં માથું ઉંચુ કરવાનો સમય મળતો નથી. ઘરેથી લાવેલું ટીફીન પણ પડયુ રહે તેવી સ્થિતિ વેપારીઓની થઈ છે. રેડિમેઈડ કપડાના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે પરંતુ વેપારીઓ હાલમાં સ્કીમ મુકીને મોટાપાયે વેચાણ કરી રહ્યા છે. ત્રણ પેન્ટ સાથે ત્રણ શર્ટ ફ્રી, રૂ. ૨૦૦૦માં ત્રણ જોડી કપડા સહિતની સ્કીમોથી ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. મોડી રાત સુધી રેડિમેઈડ કપડાની દુકાનો ગ્રાહકોની અવરજવરથી ધમધમી રહી છે. ઘણા કાપડ લઈને જોડી સિવડાવવાનું પસંદ કરતા હોય તેના કામ મોટા પ્રમાણમાં દરજીઓ પાસે આવ્યા છે.

(12:12 pm IST)