Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સુરત : સીનિયર ઓફિસર્સ વિરૂધ્ધ ૨૫ મહિલા હોમ ગાર્ડ્સનો જાતીય સતામણીનો આરોપ

અધિકારીઓ ડ્યૂટી કરતા રોકી માનસિક ત્રાસ આપતા : યુનિફોર્મ ચેક કરવાના બહાને શરીરને સ્પર્શ કરતા

સુરત તા. ૩ : ૨૫ જેટલી મહિલા હોમગાર્ડ દ્વારા પોતાના સીનિયર અધિકારીઓ વિરુદ્ઘ જાતીય અને માનસિક સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાદ હવે સુરત હોમ ગાર્ડ કમાન્ડન્ટે શુક્રવારે આરોપો પર એકશન લેવાનો ઓર્ડર આપી દીધો છે.

સુરત પોલીસ કમિશનરને શુક્રવારે એક પત્ર લખીને મહિલાઓ દ્વારા આરોપ લગાવાયા છે કે ઓફિસર ભાવના કંથરિયા અને ઓફિસર કમાન્ડીંગ સોમનાથસિંહ જી. ગ્રેહવાલ તેમને પોતાની ડ્યૂટી કરતા અટકાવતા અને શારીરિક તથા માનસિક રીતે યાતનાઓ આપતા હતા. પત્રમાં મહિલાએ પોતાના બંને સીનિયર્સ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેઓને પુરુષ અધિકારીઓ સાથે સમય પસાર કરવા માટે કહેવામાં આવતું અને ઈનકાર કરવા પર તેમને ધમકી આપવામાં આવતી.

એપ્લિકેશનમાં લખ્યા મુજબ એક મહિલા હોમગાર્ડને પુરુષ ઓફિસરે કહ્યું કે, જો તું મને ખુશ નહીં રાખે તો હું તને પોસ્ટિંગ નહીં આપું અથવા એવી જગ્યા પર પોસ્ટ જયાં તું સમય પર નહીં પહોંચી શકે. એપ્લિકેશનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે પુરૂષ અધિકારીઓ મહિલા હોમ ગાર્ડના યુનિફોર્મ ચેક કરવાના બહાને સ્પર્શ કરતા હતા. આ પહેલીવાર છે જયારે મહિલા હોમ ગાર્ડ્સ દ્વારા આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે.સુરત હોમ ગાર્ડ કમાન્ડન્ટ ડો. પ્રફુલ શિરોયાએ કહ્યું, મેં આ મામલાની તપાસ ડેપ્યુટી કમાન્ડન્ટને સોંપી છે જે ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપશે. રિપોર્ટ સબિમીટ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે શહેર પોલીસ કમિશનર સતિષ શર્માએ કહ્યું કે, સમગ્ર મામલાને લોકલ લેવલ કમ્પલેઈન કમિટીને સોંપવામાં આવ્યો છે જેની રચના કામના સ્થળે મહિલાઓના જાતીય શોષણના કાયદો ૨૦૧૩ અંતર્ગ થઈ છે, DCP વિધી ચૌધરી તેના હેડ છે. કમિટી દ્વારા મામલાની તપાસ કરવામાં આવશે.

(11:41 am IST)