Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સૂરતના શ્રેષ્ઠીઓનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માન કરાયું

સમાજના સારા કાર્યો કરનારાઓનું ઋણ ચૂકવવાનો આ અવસર : મુખ્યમન્ત્રી રૂપાણી

સુરત:સુરતના શ્રેષ્ઠિઓનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માન કરાયું હતું સમાજની પ્રગતિમાં યશસ્વી યોગદાન આપનારા સુરતના શ્રેષ્ઠીઓના સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સૂરત શહેર એ શ્રેષ્ઠીઓનું શહેર બન્યું છે. શ્રેષ્ઠીઓનું સન્માન વ્યકિત નહી પણ તેમની સિધ્ધિઓનું સન્માન છે. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી તેવી ભાવનાથી પોતાના કૌશલ્ય થકી અન્યના ઉત્થાન માટે સમર્પિત થનારા શ્રેષ્ઠીઓનું સન્માન યથાયોગ્ય છે.

 

 મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો થકી જ અન્યોને પણ પ્રેરણા મળશે. સમાજના સારા કાર્યો કરનારાઓનું ઋણ ચૂકવવાનો આ અવસર બન્યો છે. સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરનારાઓનું સન્માન કરીને મીડિયાના જગતમાં  ન્યુઝ-૧૮ ગુજરાતી ચેનલે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે.

  મુખ્યમંત્રીએ દિવાળીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સૂરતએ તો લઘુ ભારત અને એકતાનું પ્રતિક બન્યું છે. રાજયના વિકાસમાં સિંહફાળો ધરાવતા સૂરત પર મા શારદા અને લક્ષ્મીની કૃપા સદાય વરસતી રહે તેવી લાગણી તેમણે વ્યકત હતી. અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ થકી ગુજરાત વિશ્વ સ્તરે નામના મેળવશે. ગુજરાત આવનારા દિવસોમાં ગુજરાત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સહિત દશે દિશાઓમાં આગળ વધશે તેવી શ્રધ્ધા મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી. ગુજરાત શ્રેષ્ઠીઓની ભૂમિ બને, દુનિયાનું શ્રેષ્ઠ બાબતો ગુજરાતમાં આવે તેમ જણાવીને સૌના સાથ અને સૌના વિકાસ સાથે આગળ વધવાની નેમ તેમણે વ્યકત કરી હતી.      

    આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ સહિત મહાનુભાવોના હસ્તે શહેરના વિકાસમાં યોગદાન આપનારા ઔદ્યોગિક, સામાજિક, શૈક્ષણિક જેવા વિવિધક્ષેત્રના શહેરના અગ્રણીઓ સર્વશ્રી મહેશભાઈ સવાણીસંજય સરાવગી, સવજીભાઇ ધોળકીયા, લાલજીભાઈ પટેલ, લવજીભાઈ બાદશાહ, નરેશભાઇ અગ્રવાલ, આનંદકુમાર ગોયલ, રિશિત શાહ, પ્રફુલ્લ શાહ, રવજીભાઈ પટેલ, વેલજીભાઈ શેટા, યોગેશ ગર્ગ, રમેશચંદ્ર મોદી, ડો.હિમાશું બાવીશી, સંતોષજી બુધિયા, અમિત શેટા, વેલજીભાઇ શેટ, ધિરેન શાહ, મિલન શાહ, ડો.મહેન્દ્ર કતારગામવાલા, હિંમતભાઈ પોકીયા, ડો.પરેશ પટેલ, યશવંત શાહ, દિક્ષા જોષીનું સન્માન કરાયું હતું.  

       સ્વાગત પ્રવચન ન્યુઝ-૧૮ ગુજરાતીના ચીફ એડિટર રાજીવ પાઠકે કર્યું હતું.

(11:42 pm IST)