Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વડોદરાના કલાલી ગામે મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઇકસવાર ગઠિયો રફુચક્કર

વડોદરા: ઘરેથી ચાલતા ખરીદી કરવા માટે નીકળેલી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇક પર ત્રણ આરોપીઓ  ફરાર થઇ ગયા હતા.જે અંગે મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કલાલી ગામ ડિવાઇન ગેલેક્સીમાં રહેતા મીનાબેન નવિનચંદ્ર દુબલ (ઉ.વ.૫૮)ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યે ઘરની નજીક આવેલી બ્રહ્માણી દૂધ ડેરીએ ઘી લેવા માટે ગયા હતા.ત્યાંથી ઘી લઇને તેઓ ચાલતા જતા હતા.તે સમયે કિશન સિગ્નેચરની આગળ સહજ ડૂપ્લેક્સના બોર્ડ  પાસેથી પસાર થતા સમયે એક બાઇક  પર  બે આરોપીઓ બેઠા હતા.ત્રીજો આરોપી પાછળથી આવ્યેા હતો.તેણે  મીનાબેનના ગળામાંથી સોનાનો અછોડો ખેંચ્યો હતો.પરંતુ,ચેન તેઓની સાડીમાં ફસાઇ જતા માત્ર અડધી ચેન જ આરોપીઓના હાથમાં આવી હતી.અને આરોપી અડધી ચેન લઇને નજીકમાં બાઇક લઇને ઉભેલા અન્ય બે આરોપીઓની પાછળ બેસીને ફરાર થઇ ગયો હતો.ચેન તોડનાર આરોપીની ઉંમર અંદાજે ૩૦ વર્ષની હતી.અંધારૃં  હોવાના કારણે મીનાબેનને બાઇકનો નંબર દેખાયો નહતો.

બનાવ અંગે  પોલીસને જાણ કરવામાં આવતા માંજલપુર પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.આ વિસ્તારમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.જોકે,ત્રણ સવારી બાઇક  પર ભાગી જનાર આરોપીઓ હજી મળ્યા નથી.

(5:51 pm IST)