Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સુરતના ડભોલીમાં કાર્ડ બંધ થવાનું કહી લિંક મોકલાવી ભેજાબાજે 49 હજાર ઉપાડી લેતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

સુરત: ડભોલીમાં રહેતા યુવાનને તમે રિચાર્જ નહીં કરાવો તો તમારૂ જીયોનું કાર્ડ બંધ થઇ જશે અને ઘર બેઠા પ્રોસેસ કરવાના બહાને લીંક મોકલાવી એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ભેજાબાજે રૂ. 49,371 ની મત્તા ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ સિંગણપોર પોલીસમાં નોંધાય છે. ડભોલી ચાર રસ્તા સ્થિત શ્રીજી નગર સોસાયટી-2 માં રહેતા મુકેશ સવજી ગાબાણી (ઉ.વ. 47 મૂળ રહે. ખોપાળા, તા. ગઢડા, જિ. બોટાદ) ઉપર અઠવાડિયા અગાઉ જીયો કંપનીનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં તમે રિચાર્જ નહીં કરાવો તો તમારૂ કાર્ડ બંધ થઇ જશે. ત્યાર બાદ જીયો કંપનીમાંથી કોલ આવ્યો હતો અને જીયોનું રીચાર્જ કરવામાં નહીં આવશે તો કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. જેથી મુકેશે શું પ્રોસેસ કરવાની છે એમ કહેતા કોલ કરનારે અમે તમારા નજીકના જીયો સ્ટોરમાંથી પ્રોસેસ કરી લઇશું, તમારે સ્ટોર સુધી જવાની જરૂર નથી એમ કહી એક લીંક મોકલાવી હતી. મુકેશે લીંક ઉપર ક્લીક કરતા એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને કોલ કરનારના કહ્યા મુજબની પ્રોસેસ કરી હતી. ત્યાર બાદ અચાનક જ મુકેશના બેંક એકાઉન્ટમાંથી રોકડા રૂ. 49,371 કપાઇ ગયાનો મેસેજ આવતા તે ચોંકી ગયો હતો. મુકેશે તુરંત જ કેમ આવું થયું એમ પુછતા બીજી વાર ક્લીક કરો તો તમારા રૂપિયા પરત આવી જશે એમ કહી ફોન કટ કરી દીધો હતો.

(5:51 pm IST)