Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

માણસા તાલુકાના ખરણા ગામે વિદેશ ગયેલ ખેડૂતની જમીન બરોબર વેચી દેનાર બે ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ

માણસા :  માણસા તાલુકામાં ખરણા ગામના ખેડૂત અમેરિકા ગયા હતા અને તે સમય દરમિયાન તેમની ગામમાં આવેલ વડીલો પાજત જમીનનો તેમના બે ભાઈઓએ વહેંચણી લેખ અને સંમતિ જવાબ બનાવી તેમાં ખેડૂતની પણ ખોટી સહી કરી જમીન અલગ અલગ નામે કરી વહેચણી લેખનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન અન્ય એક ખેડૂતને વેચી દીધી હતી અને જ્યારે આ ખેડૂત વિદેશથી પરત આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડ બાબતે તેમને ખબર પડતા તેમણે સીટમાં અરજી આપતા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ માણસા પોલીસે ખેડૂત ની ફરિયાદના આધારે ખરણા ગામના તેમના બે ભાઈઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના ખરણા ગામે આવેલા મોટો માઢ,હરિહર મંદિરની સામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ૬૬ વર્ષીય દશરથભાઈ મથુરદાસ પટેલ અને તેમના બે મોટાભાઈ કાળીદાસ મથુરદાસ પટેલ રહે ઘાટલોડિયા અમદાવાદ અને બાબુભાઈ મથુરદાસ પટેલ હાલ રહે ન્યૂઝીલેન્ડ એમ ત્રણ ભાઈઓના નામે ગામની સીમમાં આઠ વીઘા જેટલી વડીલો પાજત જમીન આવેલી છે આ તમામ જમીન નો વહીવટ દશરથભાઈના પિતાના ૧૯૮૪ માં થયેલા અવસાન બાદ બાબુભાઈ કરતા હતા અને જે તે વખતે જમીનની વહેંચણી બાબતે વાત થઈ હતી પરંતુ કોઈ કારણસર વહેંચણી કરવામાં આવી ન હતી ત્યારબાદ ૧૯૯૫ માં દશરથભાઈ અમેરિકા ગયા હતા અને ૨૦૧૦માં તેઓ પરત આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમની ગેરહાજરીમાં તેમના બંને ભાઈઓએ આ જમીનનો વહેંચણી લેખ અને સંમતિ જવાબ બનાવી તેમાં ત્રણેય ભાઈઓની સહિ કરી ખોટા લેખનો સાચા તરીકે ઉપયોગ કરીને તમામ જમીન અલગ અલગ નામે કરી દીધી હતી તથા બાબુભાઈએ ૨૦૦૭માં તેમના નામે થયેલ જમીન અન્ય એક ખેડૂતને વેચી પણ દીધી હતી. જ્યારે દશરથભાઈ અમેરિકાથી પરત આવ્યા ત્યારે તેમને ખબર પડી કે જમીન ની વહેંચણી થઈ ગઈ છે તેથી તેઓ ખેતરમાં જઈ તપાસ કરતા હિસ્સાની સરખા ભાગે વહેંચણી થઈ નહોતી જેથી તેમણે મામલતદાર કચેરીમાંથી વહેંચણી લેખની નકલ મેળવી તેમાં તેમની ગેરહાજરીમાં થયેલી સહી ખોટી અને બીજા કોઈના હસ્તે થયેલી હોવનું પ્રથમ દ્રષ્ટિએ જણાતા તેમણે પ્રાઇવેટ હસ્તાક્ષર નિષ્ણાત પાસે સહીના નમુના મોકલી તપાસ કરાવતા તેમની સહી બનાવટી હોવાનું માલુમ પડતા તેમણે ગાંધીનગર એસઆઇટીમાં ફરિયાદ આપતા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ માણસા પોલીસે દશરથભાઈ પટેલના બંને મોટાભાઈ કાળીદાસ પટેલ અને બાબુભાઈ પટેલ વિરુદ્ધ વહેચણી લેખમાં ખોટી સહી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:50 pm IST)