Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ગુજરાતનું ‘પાણીદાર' ચિત્ર : ગયા વર્ષ કરતા ૪૫૯૧.૪૭ MCFT પાણી વધુ

હરીભરી જહાઁ હોતી ધરતી, વહી આતે બાદલ ઉપકારી, ખૂબ ગરજતે, ખૂબ ચમકતે, ઔર કરતે વર્ષા ભારી

રાજકોટ તા. ૩ : રાજ્‍યમાંથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે. ટુંક સમયમાં શિયાળાનું આગમન થશે. આ વખતે રાજ્‍યનો સરેરાશ વરસાદ ૧૧૮ ટકા જેટલો થયો છે. જળસંગ્રહ સ્‍થાનોની સ્‍થિતિ એકંદરે સારી છે. અત્‍યારે સંગ્રહિત થયેલું પાણી શિયાળુ પાક માટે તેમજ આવતા ચોમાસા સુધી પીવામાં ઉપયોગી થશે. ગયા વર્ષની તા. ૩ ઓકટોબરની સ્‍થિતિએ આજની તારીખે રાજ્‍યે રાજ્‍યના ડેમોમાં ૪૫૯૧.૪૭ એમ.સી.એફ.ટી. પાણી વધુ છે. મોસમમાં રાજ્‍યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા) ડેમ એકથી વધુ વખત છલકાયો છે. હાલની સ્‍થિતિએ નર્મદા સિવાઇના રાજ્‍યના ૨૦૬ ડેમો પૈકી ૯૮ ડેમો પાણીથી છલોછલ ભરેલા છે. આવતા દિવસોમાં વપરાશ અને બાષ્‍પીભવનના કારણે સંગ્રહિત જળજથ્‍થો ઘટતો રહેશે છતાં ઉનાળો હેમખેમ પાર ઉતરી જાય તેવા સાનૂラકુળ સંજોગો છે.

ગયા વર્ષના આજના દિવસે નર્મદા સિવાઇના ૨૦૬ ડેમોમાં ૧૩૩૯૪.૨૧ એમ.સી.એફ.ટી. પાણી હતું. આજે ૧૪૭૯૮ એમ.સી.એફ.ટી. પાણી છે. ગયા વર્ષની સરખામણીએ અત્‍યારે ૧૪૦૪.૩૫ એમ.સી.એફ.ટી. જળજથ્‍થો વધુ છે. નર્મદા ડેમમાં ગયા વર્ષની તા. ૩ ઓકટોબરની સરખામણીએ ૩૧૮૭.૧૨ એમ.સી.એફ.ટી. પાણી વધુ છે. રાજ્‍યના બધા ડેમોનો મળી કુલ જળજથ્‍થો ૨૪૨૫૨.૧૨ એમ.સી.એફ.ટી. છે. તે ગયા વર્ષના આજના દિવસ કરતા ૪૫૯૧.૪૭ એમ.સી.એફ.ટી. વધુ છે. નર્મદા ડેમ ૯૯.૯૩ ટકા ભરેલો છે. સૌરાષ્‍ટ્રના ૧૪૧ પૈકી ૬૫ સહિત ગુજરાતના ૨૦૬માંથી ૯૮ ડેમો સંપૂર્ણ ભરેલા છે. દક્ષિણ ગુજરાતમાં ૮૯.૭૪, દક્ષિણ ગુજરાતમાં ૮૨.૦૩, મધ્‍ય ગુજરાતમાં ૮૨.૦૩, કચ્‍છમાં ૭૧.૪૭ અને સૌરાષ્‍ટ્રમાં ૮૬.૮૯ સહિત રાજ્‍યમાં ડેમોમાં કુલ ૯૩.૧૯ ટકા જળજથ્‍થો ઉપલબ્‍ધ છે. આજની સ્‍થિતિએ ૧૪૩ ડેમોમાં ૯૦ ટકાથી વધુ, ૧૦ ડેમોમાં ૮૦ થી ૯૦ ટકા વચ્‍ચે પાણી છે. ૮ ડેમોમાં ૭૦ થી ૮૦ ટકા અને ૪૫ ડેમોમાં ૭૦ ટકાથી ઓછું પાણી સંગ્રહિત છે.

(11:54 am IST)