Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બસના માલિક, ભાડે ફેરવનાર દ્વારા જવાબદારીમાંથી છટક્યા

ત્રિશુલિયા ઘાટ દુર્ઘટના કેસમાં વધુ એક ખુલાસો : તપાસમાં લાપરવાહી સામે આવશે તો બંનેની વિરુદ્ધ ગુનો પણ દાખલ કરાશે : બસનો વિમો પતી ગયો હતો : અહેવાલ

અમદાવાદ, તા.૩ : અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટ પર પલટી ગયેલી લક્ઝરી બસના રાજયભરમાં ખળભળાટ મચાવનારા અકસ્માતમાં વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. બસના માલિક અને આ બસ ભાડે ફેરવનાર બંનેએ અકસ્માતને લઇ પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દીધા છે. બીજીબાજુ, આરટીઓએ જણાવ્યું હતું કે તપાસમાં જેમની લાપરવાહી સામે આવશે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરાશે. હાલ ચાલુ બસે વીડિયો ઉતારી ગોઝારો અકસ્માત સર્જનાર અને અક્સ્માતમાં ખુદ પણ ઇજા પામનાર ડ્રાઈવર અમદાવાદમાં સારવાર હેઠળ છે. તો, લકઝરી બસનો વીમો પણ કયારનોય પતી ગયો હતો, તેથી આ કેસમાં ઇન્શ્યોરન્સનો લાભ પણ થર્ડ પાર્ટીને નહી મળે તે બહુ ચોંકાવનારી વાત છે.  ત્રિશૂળિયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસ હકારનાર ડ્રાઇવરનો વિડીયો વાયરલ થયા બાદ લોકોનો જોરદાર આક્રોશ સામે આવ્યો હતો.

           તપાસ બાદ દાંતા પોલીસે લેખિત જાહેર કરીને ખુલાસો કર્યો હતો કે, મુનિર વોરા નામના ડ્રાઇવરે સવારે હિમતનગર-ખેડબ્રહ્મા વચ્ચે વિડીયો ઉતારી આ વિડીયો વ્હોટ્સએપ સ્ટેટસ પર મૂક્યો હતો. ત્રિશૂળીયા ઘાટ પર જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે વરસાદ ચાલી રહ્યો હતો. બીજીતરફ મામલાની તપાસ કરી રહેલા દાંતા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, જીજે-૧-ઝેડ-૯૭૯૫ નંબરની બસનું એફએસએલની ટીમ દ્વારા પંચનામું કરાયું છે. જેનો સપ્તાહમાં રિપોર્ટ આવ્યેથી ખ્યાલ આવશે કે અકસ્માત ખરેખર કેવી રીતે થયો હતો. દરમ્યાન મામલાની આનુષંગિક તપાસ કરી રહેલા આરટીઓ અધિકારી વિપુલ ગામેતીએ બસના ખેડાના માલિકનો સમ્પર્ક કરતા લક્ઝરી બસના માલિકે કહ્યું હતું કે, મેં બસ વેચી દીધી છે, જ્યારે જેને વેચવામાં આવી તેની તપાસ કરાવતા ગફુરભાઇ વોરાએ જણાવ્યું હતું કે, હું તો બસ ભાડે ફેરવુ છું. મારો દીકરો જ બસ હંકારતો હતો. જે મુનિર અકસ્માતમાં ઘાયલ થયો છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બીજીબાજુ, ચોંકાવનારી વાત તો એ છે કે, આ કેસમાં હવે મૃતકોને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો લાભ નહીં મળી શકે કારણ કે માર્ચ મહિનામાં જ બસનો વીમો પૂરો થઈ ગયો હતો. બસના માલિકે બસ વેચી દીધી હોવાથી જેણે બસ રાખી હતી તેણે પ્રીમિયમ ભર્યું નથી.

(9:51 pm IST)