Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

૨૬૦ કરોડનો કાંડ : ભાર્ગવી શાહને હાઈકોર્ટમાંથી જામીન

કૌભાંડી વિનય શાહની પત્નીના શરતી જામીન મંજૂર : છેલ્લા આઠ-નવ મહિનાથી કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી સળિયા પાછળ હતી : જામીન મળતાં મોટી રાહત

અમદાવાદ, તા.૩  રાજયભરમાં ખળભળાટ મચાવનારા રૂ.ર૬૦ કરોડ રૂપિયાના  કૌભાંડના માસ્ટર માઇન્ડ વિનય શાહની પત્ની ભાર્ગવી શાહને આખરે ગુજરાત હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે. છેલ્લા આઠ-નવ મહિનાથી કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી જેલના સળિયા પાછળ હતી. જો કે, હાઇકોર્ટે તેણીના શરતી જામીન મંજૂર કરતાં તેને મોટી રાહત મળી છે. ગુજરાત નહી છોડવાની શરતે હાઇકોર્ટે તેણીના શરતી જામીન મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોકોને લોભામણી જાહેરાતો અને ઉંચા વ્યાજની લાલચ આપી પોન્ઝી સ્કીમમાં ફસાવી રૂ.૨૬૦ કરોડનું કૌભાંડ આચરવાના ચકચારભર્યા પ્રકરણમાં વિનય શાહની પત્ની ભાર્ગવી શાહની ડિસેમ્બર-૨૦૧૮માં ધરપકડ થઇ હતી. સીઆઇડી ક્રાઇમે ભાર્ગવીના રિમાન્ડ પણ મળવ્યા હતા.

            જે દરમ્યાન વાઈરલ થયેલી કથિત ઓડીયો કલીપમાં અવાજ વિનય શાહ અને સુરેન્દ્ર રાજપૂત તેમજ તેના પુત્ર સ્વપ્નિલ રાજપૂતનો હોવાનો ખુલાસો ભાર્ગવીએ સીઆઇડી સમક્ષ કર્યો હતો. સીઆઇડી ક્રાઇમે જે તે વખતે ભાર્ગવી શાહને સાથે રાખીને તેના ઘર, ઓફિસ સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કૌભાંડ સંબંધી મહત્વની વિગતો અને દ્સ્તાવેજો એકત્ર કર્યા હતા.  કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ સી.આઈ.ડી. ક્રાઈમની ગાંધીનગર ખાતેની ઓફિસમાં નાટકીય ઢબે હાજર થઇ હતી. વિનય શાહની નેપાળમાં ધરપકડ પછી ભાર્ગવી હાજર થઇ હતી. ઉલ્લેખનીય છે કે, વિનય શાહની પત્ની ભાર્ગવી પુત્ર મોનિલના નામે શેરબજારમાં લેવડદેવડ કરતી હતી તે ડીમેટ એકાઉન્ટની તપાસ કરતા સીઆઈડી ક્રાઈમે ૧.ર૭ કરોડના શેર ધરાવતું ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે. વિનય શાહના કૌભાંડનો ભોગ બનેલા લોકોને નિવેદનો નોંધાવવા માટે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે અત્યાર સુધીમાં કુલ પપ૮ થી વધુ લોકોએ તેમના નિવેદનો પોલીસ સમક્ષ નોંધાવ્યા હતા. અત્યાર સુધીમાં ભોગ બનનાર લોકોને રૂ.પાંચ કરોડ કરતાં વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું.

(9:47 pm IST)