Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે મહિલાની જોરદાર ઝપાઝપી

ટ્રાફિક નિયમોને લઇ પોલીસ-પબ્લિક વચ્ચે ઘર્ષણ : મહિલાએ પીએસઆઈનો હાથ પકડી ઉગ્ર ઝપાઝપી કરી ટોપી માથેથી આંચકી લીધી : પોલીસની ગુનો નોંધી તપાસ

અમદાવાદ, તા.૩ : ટ્રાફિકના નવા નિયમો આવ્યા ત્યારથી અમદાવાદ સહિત રાજયમાં કયાંક ને કયાંક રોજ પોલીસ અને પબ્લીક વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં, સુરતના ઉધના દરવાજા ખાતે આજે બપોરના સમયે એક મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઝઘડો સામે આવ્યો હતો. કારના કાચ પર કાળી ફિલ્મ લગાવાયેલી તેની કાર પોલીસે ઉભી રખાવીને દંડ ફટકારી રહી હતી ત્યારે મહિલાએ નીચે ઉતરીને પોલીને ગાળો આપવાની સાથે ઝપાઝપી કરી હતી. જે દરમ્યાન પીએસઆઇને સહેજ ઇજા થઇ હતી. મહિલાના ઝપાઝપી અને બબાલના દ્રશ્યો જોઇ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. જેથી ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં.

         પોલીસે મહિલા વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. નવા નિયમો અમલમાં આવે તે પહેલા જ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યાં હોય તેમ ઉધના દરવાજા ખાતે કારમાં કાચ પરની કાળી ફિલ્મ પ્રતિબંધિત હોય ટ્રાફિક પોલીસે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન પીએસઆઈ સાથે મહિલાએ ગાળાગાળી કરી હાથાપાઈ કરી હતી. પોલીસની કેપ પણ પકડી લઈને જમીન પર ફેંકી દીધી હતી. બાદમાં મહિલા રસ્તા પર આડી પડીને બેભાન થઈ ગઈ હોય તેમ જમીન પર સૂઈ રહી હતી. બાદમાં પોલીસે ૧૦૮ની મદદથી મહિલાને પોલીસ સ્ટેશન ખસેડી હતી. જ્યાં મહિલાનો પુત્ર અને પતિ પણ આવી ગયાં હતાં. સલાબતપુરા પોલીસ મથકમાં મહિલાને લઈ જવાઈ હતી.

              જ્યાં પોલીસે પીએસઆઈ સાથે ફરજમાં રૂકાવટ અને હુમલા સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી  હતી. પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાથી તેમનું નિવેદન પણ લેવામાં આવી રહ્યું છે. મહિલાની ગાળાગાળી તથા હુમલો કેમેરામાં કેદ થઈ ગયો હતો. ધનસુખભાઈ પી.કટારીયાની માલિકીની ગાડી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ ગાડીમાં મહિલા બેઠેલી હતી ત્યારે પોલીસે અટકાવતાં જવાનને મહિલાએ કહ્યું કે તારા સાહેબને બોલાવ. પછી ત્યાં જઈને પોલીસ સાથે બોલાચાલી કરવા લાગી અને બબાલમાં વાત વણસી હતી. પોલીસે ૫૦૦ રૂપિયાનો દંડ ભરો અથવા તમે કોર્ટમાં એન.સી લઈ લો એમ કહેતા મહિલાએ બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસ અને પબ્લીક વચ્ચેના જાહેરમાર્ગ પરના ઘર્ષણના આ કિસ્સાને લઇ વાતાવરણ ગરમાયું હતું.

(9:45 pm IST)