Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જોરદાર વરસાદ બાદ ગુજરાતથી મોનસુન વિદાય લેવાની તૈયારીમાં

હળવા વરસાદી ઝાપટા જારી રહેવાની તંત્રની આગાહી : ૪૮ કલાક બાદ ગુજરાત સહિત દેશભરમાંથી ચોમાસું ખુબ નબળું થશે : આ વર્ષે ચોમાસામાં લગભગ ૪ મહિનાઓ સુધી વરસાદ ખાબકતા ભારે નુકસાન

અમદાવાદ,તા. ૩ : અમદાવાદ સહિત રાજ્યભરમાંથી મોનસુનની વિદાય થઇ રહી છે. વરસાદનું જોર બિલકુલ ઘટી ગયું છે. કેટલીક જગ્યાએ હળવા વરસાદી ઝાપટા હજુ પણ પડી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોટાભાગે વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી છે. અમદાવાદમાં પણ આંશિક વાદળછાયુ વાતાવરણ વચ્ચે સ્થિતિ રહેલી છે. જો કે, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, દક્ષિણ ગુજરાતના વડોદરા, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થઇ શકે છે. ઉપરાંત સુરત, ભરુચ, વલસાડમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વર્તમાન સિઝનમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ મુકાતા ખેલૈયાઓને હવે રાહત થઇ છે અને નવરાત્રિનો રંગ જામી રહ્યો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદનું જોર ઘટતાં ગરમીમાં સામાન્ય વધારો થયો છે. રાજસ્થાનમાં સક્રિય થયેલા અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનથી બુધવારે ગરમીથી લોકોને રાહત રહી હતી. આ વર્ષે લગભગ સતત ચાર મહિના સુધી ચોમાસામાં સામાન્યથી વધારે વરસાદ નોંધાયા બાદ હવે તા.૧૦મી ઓક્ટોબર પછી ચોમાસું વિધિવત્ રીતે વિદાય લે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

               હવામાન વિભાગે ગુજરાત સહિત ઉત્તર, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ચાર ઓક્ટોબર પછી ચોમાસું નબળું પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે. ગઇકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૩.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩.૨ ડિગ્રી નોંધાયું હતું. વરસાદની ગેરહાજરીથી ૧૩ શહેરોમાં ગરમીનો પારો ૩૨ ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં ૩૩.૮ ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજસ્થાનમાં સક્રિય થયેલાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનથી બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, દાહોદ, સુરત, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દમણ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડવાની વકી છે. ગુજરાતમાં અત્યાર સુધી  સીઝનનો ૧૪૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સારા વરસાદના કારણે ડેમોમાંથી ૧૨૦ છલકાયા છે. જ્યારે ૫૫ ડેમોમાં ૭૦થી ૧૦૦ ટકા જળસંગ્રહ છે. કુલ ૨૦૪ ડેમોમાં ૯૪.૫૨ ટકા જ્યારે સરદાર સરોવર ડેમમાં ૯૮.૨૬ ટકા જળસંગ્રહ થયો છે.

            ઝોન મુજબ કચ્છમાં સીઝનનો સૌથી વધુ ૧૭૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, મધ્ય ગુજરાતમાં ૧૨૮ ટકા, સૌરાષ્ટ્ર ૧૪૮ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો છે. રાજયમાં આ વર્ષે પાછોતરા અને વધુ પડતા વરસાદના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકોમાં લીલા દુકાળનો ઓછાયો વર્તાયો છે. જેને લઇ સરકારે સર્વેની કામગીરી પણ હાથ ધરી છે. જો કે, ખેડૂતોએ તેમના કપાસ, મગફળી સહિતના પાકની નુકસાનીની પૂરેપૂરી ભરપાઇ કરી આપવા રાજય સરકાર સમક્ષ માંગણી કરી છે. અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી રહ્યું હતું. તાપમાનમાં પણ કોઇ આંશિક ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં આ વખતે મોટાભાગે સિઝનમાં ભારે વરસાદ થયો છે.

 

(9:41 pm IST)