Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અમેરિકન નાગરિકોનો ડેટા આપનાર બે શખ્સ ઝડપાયા

કોલ સેન્ટર ચલાવતા લોકોને ડેટા પૂરો પડાતો હતો : આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ સોફ્ટવેર દ્વારા અમેરિકન લોકોની સાથે પેઇડ એ લોનના બહાને ઠગાઈ કરતા હતા

અમદાવાદ, તા.૩ : ગુજરાત અને ગુજરાત બહાર ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા માલિકોને ડેટા પૂરો પાડતા બે શખ્સની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વેજલપુર પોલીસે બંને આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરી પેઇડ એ લોન આપવા બહાને છેતરપિંડી પણ આચરતા હોવાની વિગતો સામે આવતાં પોલીસે હવે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. નવરાત્રિને લઇ વેજલપુર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વસ્ત્રાપુર પાસે આવેલી દેસાઈપાર્ક સોસાયટી પાસે કાળા કલરની ગાડીમાં એક શખ્સ ગેરકાયદે કોલસેન્ટરની પ્રવૃતિ કરે છે તેવી માહિતીના આધારે પોલીસે ત્યાં જઈ તપાસ કરતા કારમાં બેઠેલા વિવેકસિહ ચૌહાણ(ઉ.વ.૩૪, રહે. અશ્વલેખા એપાર્ટમેન્ટ વસ્ત્રાપુર ફાટક પાસે)ની ધરપકડ કરી હતી.

            આરોપીની વિવેકસિંહનો મોબાઈલ તપાસ કરતા તેમાંથી કોલસેન્ટરનો ડેટા મળી આવ્યો હતો. તેમજ જીમેઈલ એકાઉન્ટ તપાસ કરતા પોલીસ તેની પુછપરછ કરી રહી હતી ત્યારે તેના મોબાઈલમાં વોટ્સએપ પર એક કોલ આવ્યો હતો. પોલીસે સ્પીકર ફોન કરાવી વાત સાંભળતા કોલસેન્ટરનો ડેટા માંગ્યો હતો. ડેટા માંગનાર શખ્સે લાલદરવાજા પાસે વિવેકસિંહને બોલવતા પોલીસ તેને લઇ ત્યાં પહોંચી હતી અને ડેટા લેવા આવતા જ તે શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેનું નામ પૂછતાં અઝહર એહમદભાઈ સૈયદ (રહે.ખાનપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે અઝહરની પુછપરછ કરતા વિવેક પાસેથી પેઇડ એ લોનનો ડેટા મેળવી અને ગુજરાત અને ગુજરાત બહાર ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા લોકોને વેચી તેમની પાસેથી વોલમાર્ટ ગિફ્ટના કાર્ડ નંબર લઇ ડોલરને રૂપિયામાં ફેરવી દેતા હતા. આરોપીઓ પ્રિ-એપ્રુવ્ડ લોન આપવાના બહાને અમેરિકન નાગરિકોને બેન્કના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરતા હતા. આરોપી વિવેકસિંહ અમેરિકન નાગરિકો સાથે સ્કાઇપ સોફ્ટવેરથી ફોન દ્વારા વાતચીત કરી પેઇડ એ લોન આપવાના બહાને વેસ્ટર્ન યુનિયનમાં પ્રોસેસિંગ ફીના ૩૦ ડોલર જમા કરાવતો હતો.

નાગરિકોના ખાતામાં ડુપ્લીકેટ ચેક જમા અને લોન એપ્રુવલનો ખોટો મેલ કરતો હતો. પોલીસે હાલ ક્યાં ક્યાં કોલસેન્ટરના માલિકોને ડેટા આપ્યો છે તેની પુછપરછ શરૂ કરી છે. આગામી દિવસોમાં કોલ સેન્ટરોના માલિકો પર પણ ગાળિયો કસાય તેવી શકયતા છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં હવે ઝીણવટભરી તપાસ આરંભી છે.

(8:46 pm IST)