Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અમદાવાદમાં ૪૦ વર્ષથી ૧૦ જૂના ક્વાર્ટ્સ રિ-ડેવલપ કરાશે

સાત માળના નવા ફ્લેટ બનાવવામાં આવશે : પ્રક્રિયા હેઠળ હજુ સુધી ત્રણ ક્વાર્ટરના ટેન્ડરો મંજુર કરી દેવામાં આવ્યા : બાકીના ટેન્ડરોની પ્રક્રિયા ચાલી રહી છે

અમદાવાદ, તા.૩ : અમદાવાદ શહેરના ૪૦થી વધુ વર્ષ જૂના મ્યુનિસિપલ સ્ટાફ ક્વાટર્સને હવે રિ-ડેવલપ કરવામાં આવશે. ૧૦ જેટલા ક્વાટર્સના ૧૭૦થી વધુ બ્લોકના ૪૦૦૦થી વધુ મકાનોને રિ ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. ત્રણ ક્વાટર્સના ટેન્ડર મંજુર કરી દેવામાં આવ્યા છે, જયારે બાકીના ટેન્ડરોની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે, નવા કવાટર્સને બદલે હવે સાત માળના ફલેટ બનાવવામાં આવશે. શહેરમા અનેક જર્જરિત અને ભયજનક અનેક મકાનો ધરાશાયી થયા છે. હાઉસિંગ બોર્ડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભયજનક મકાનોનો સર્વે કર્યા બાદ તે જ સ્થળે પર રહીશોને નવા મકાનો આપવાની નીતિનો અમલ થઈ રહ્યો છે. જેને અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશને રિ ડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ (પી.પી.પી) યોજના અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશને સ્ટ્રક્ચર એન્જિનિયરોની ટીમ તૈયાર કરાવી ૨૮ જગ્યાઓનો સર્વે કર્યા હતો. જેમાં ૧૦ ક્વાટર્સમાં સ્થાનિક રહીશોની સમંતિ બાદ રિ-ડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

              પીપીપી યોજનામાં બિલ્ડર દ્વારા રૂ. ૫૦ કરોડ કે તેથી વધુ રકમ કે વધુ ટીડીઆરની માંગણી કરવામાં આવે તેવા કિસ્સામાં રાજય સરકારની મંજૂરી જરૂરી રહે છે. જેથી ઓઢવના શિવમ આવાસ યોજના માટેની પ્રપોઝલ રાજય સરકાર સમક્ષની મંજૂરી માટે મોકલવામાં આવી છે. રિ-ડેવલપમેન્ટ થનારા ૧૦ ક્વાટર્સમાં સાત માળના બ્લોક બનાવવામાં આવશે. સ્થાનિક રહીશોને હયાત મૂળ બાંધકામ સામે ૪૦ ટકા વધુ બાંધકામ આપવામાં આવશે. નવા જી.ડી.સી.આર.ને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં દસ માળના બ્લોક બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે. નવા ફલેટ બનવાના કારણે સ્થાનિક રહીશોને સારો ફાયદો થશે.

કયા ક્વાર્ટર રિ-ડેવલપ

   બાપુનગર- સોનરીયા બ્લોક

   ગોમતીપુર- સુખરામનગર હેલ્થ સ્ટાફ કવાર્ટસ

   ખોખરા- નવા અને જુના મ્યુનિ. સ્લમ કવાર્ટસ

   બાપુનગર- વીરાભગતની ચાલી હેલ્થ સ્ટાફ કવાટર્સ

   સૈજપુર બોધા- ડી કોલોની

   સાબરમતી- રામનગર મ્યુનિસિપલ સ્ટાફ ક્વાટર્સ

   અસારવા- પતરાવાળા સલ્મ ક્વાટર્સ

   ઇન્ડિયાકોલોની- વિજય મ્યુનિસિપલ હેલ્થ ક્વાટર્સ

   ઓઢવ- શિવમ આવાસ યોજના

(8:41 pm IST)