Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વિશ્વપ્રસિદ્ધ કિડની ટ્રાન્સપ્લાન્ટ તબીબ ડો. એચ.એલ. ત્રિવેદીનાના પાર્થિવ દેહના દર્શને મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા

અમદાવાદ :વિશ્વ પ્રસિદ્ઘ કિડની ટ્રાન્સપ્લાન્ટ તબીબ ડો.એચ.એલ ત્રિવેદીનું ગઈકાલે 90 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે આજે તેમની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રા પહેલાં તેમના પાર્થિવ દેહને અમદાવાદની કિડની હોસ્પિટલમાં દર્શન માટે રખાયો. આ એ જ હોસ્પિટલ છે, જે ડો.ત્રિવેદીને કારણે બની છે. કિડની ઇન્સ્ટિટ્યૂટમાં 11 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકાશે. જેના બાદ અંતિમક્રિયા માટે પાર્થિવ દેહને દુધેશ્વર લઈ જવાશે. ત્યારે હાલ મોટી સંખ્યામાં શુભેચ્છકો તથા ડો.એચ.એલ ત્રિવેદીના વિદ્યાર્થીઓ કિડની ઈન્સ્ટિટ્યૂટમાં તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ડો.એલ.એલ.ત્રિવેદીએ વિશ્વભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે.

આતંકી ઓસામા બિન લાદેનનું ઓપરેશન કરવાની ઓફર ઠુકરાવી

ડો.એચ.એલ ત્રિવેદી બહુ જ ઉદાર દિલના વ્યક્તિ હતા. તેમના નામે 5000 જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો રેકોર્ડ છે, ત્યારે આવા ઉમદા વ્યક્તિએ પોતાના જીવનમાં માત્ર એક જ વ્યક્તિની કિડની ટ્રાન્સપ્લાન્ટની ઓફર ઠુકરાવી હતી. એ છે ઓસામા બિન લાદેન. આતંકી ઓસામા બિન લાદેનના કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની કરોડોની ઓફર ડો. ત્રિવેદીએ ઠુકરાવી હતી. જેનાથી અમેરિકા પણ થરથર કાંપતું તેવા આતંકી ઓસામાને ડૉ. ત્રિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કેબિન લાદેન પણ આખરે તો માણસ છે માટે તેનું ઓપરેશન કરવામાં તેમને વાંધો નથી. પણ આ માટે તેમની ફક્ત બે શરત છે. પહેલી એ કે કિડની ઓપરેશન કરાવવા બિન લાદેને અમદાવાદ આઈકેડીસીમાં દાખલ થવું પડશે. અને બીજી શરત એ કે બિન લાદેન તેમને વચન આપે કે ભારત સાથેનો શત્રુતાપૂર્ણ વ્યવહાર તેઓ તુરત બંધ કરી દેશે.

ગણપતિ બાપ્પાના ઉપાસક હતા કિડની સ્પેશિયાલિસ્ટ

ગણપતિ ભગવાનના મોટા ઉપાસક હતા. આ કારણે જ તેમણે કિડની હોસ્પિટલની બહાર મોટી ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી હતી. વિદેશમાં રહેવુ કે પોતાના વતન ગુજરાતમાં રહેવુ, આ પ્રશ્ન મામલે જ્યારે તેમના મનમાં મોટી મૂંઝવણી હતી ત્યારે તેમણે બધુ જ ગણપતિ બાપ્પા પર છોડી દીધું હતું. જેના બીજા જ દિવસે તેઓને સિવિલમાંથી ઓફર આવી હતી.

વિદેશ છોડીને દેશમાં વસ્યા હતા

ડો.એચ.એલ ત્રિવેદીનું આખુ નામ ડો.હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી છે. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડના વતની છે. વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તેઓ પ્રખ્યાત છે. અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજમાં અધ્યાપકની ફરજ બજાવી હતી, તેના બાદ તેમણે કેનેડાની વાટ પકડી હતી. પરંતુ તેમનો વતનપ્રેમ તેમને પરત ગુજરાત ખેંચી લાવ્યો હતો. અમદાવાદમાં આવીને તેમણે કીડની હોસ્પિટલનો પાયો નાંખ્યો હતો, અને આમ તેઓ ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા બન્યા હતા.

(5:46 pm IST)