Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે વિજાપુર પંથકમાં પેટ્રોલિંગ કરી બાતમીના આધારે ધમધમતા જુગારધામ પર દરોડા પાડ્યા: 27 જુગારીઓની ધરપકડ: 1 રફુચક્કર

ગાંધીનગર: સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલની પોલીસ ટીમ વિજાપુર પંથકમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે વખતે મળેલી બાતમીના આધારે શહેરના ચક્કર સર્કલ નજીક મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંક પાછળ ખુલ્લી જગ્યામાં ચાલી રહેલ જુગારની પ્રવૃત્તિઓના સ્થળે ઓચિંતી રેડ પાડી હતી. અહીંથી સાજીદ ઉર્ફે શાહરૂ અબ્બાસમીયાં શેખ સહિત આઠ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જોકે મુખ્ય સુત્રધાર મોહસીન ઉર્ફે ઈમરાન શેખ ભાગી છુટયો હતો. પોલીસે અહીંથી મોબાઈલ સહિત રૂ. ૪૧૬૩૬ની મતા કબજે કરી હતી. વિજાપુર પોલીસને મળેલી બાતમી અન્વયે પીએસઆઈ એમ.એન. આદરેજીયા, એએસઆઈ લાલજીભાઈ, હેડ કોન્સ. પરેશકુમાર સહિતના પોલીસ સ્ટાફે શહેરમાં આવેલા ભાટવાડાની ઉંડી શેરીમાં જુગારની પ્રવૃત્તિ ચલાવતા ભરત ઉર્ફે ભટો દિપસિંહ ઝાલાના ઘર આગળ ઓચિંતી રેડ પાડી હતી. અહીંથી જુગાર રમી રહેલા ભરત ઝાલા, લાલસિંહ ઝાલા સહિત ૧૪ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ અહીંથી જુગાર રમવાના સાહિત્ય સાથે રૂ. ૫૨૯૨૦ની મત્તા કબજે લીધી હતા. ઉપરાંત વિજાપુર તાલુકાના કોટડી ગામમાં પીપળીવાળા વાસ પાસે ખુલ્લામાં કિશન અમૃતસિંહ ઝાલા, રહે. લાડોલ, જુગારની પ્રવત્તિઓ આચરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે અહીં રેડ પાડી હતી. અહીં જુગાર રમી રહેલા કિશન ઝાલા, મનુજી રેવાજી ઠાકોર સહિત પાંચ જુગારીયાની ધરપકડ કરી હતી. સ્થળેથી પોલીસે ૨૬૪૬૦નો મુદ્દામાલ સબજે લઈ ઝડપાયેલા આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)