Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મણિનગર ઓનેસ્ટમાં ઢોસાથી વંદો નિકળતાં જોરદાર ચકચાર

વિવાદ બાદ કોર્પોરેશને હોટલ સીલ કરી દીધી : ઢોસામાં મરેલો વંદો નિકળ્યાનો વીડિયો વાયરલ થઇ જતાં મ્યુનિ. હેલ્થ વિભાગે રેસ્ટોરન્ટને ક્લોઝર નોટિસ ફટકારી

અમદાવાદ, તા.૩ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં એક ફેમિલી જમવા ગયું હતું ત્યારે ઢોંસામાંથી વંદો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમને જાણ કરતા તંત્રએ તત્કાલ સ્થળ ઉપર જઇ રેસ્ટોરન્ટને ક્લોઝર નોટિસ આપી હતી. ઢોંસામાંથી વંદો નીકળ્યાનો આ વીડિયો વાયરલ થતાં લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ કરીને હોટલને સીલ મારી દીધું હતું. ઢોંસામાંથી વંદો નીકળ્યાના સમાચાર વાયુ વેગે ફેલાતાં ઓનેસ્ટમાં ખાવાને લઇ લોકોમાં ચીતરી ચઢાવતાં ચહેરા પણ સામે આવ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે, મણિનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયેલા એક પરિવારે ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો. જે ઢોંસો બનીને આવ્યા બાદ તેને ચમચી વડે ખાવા જતાં ચમચીમાં વંદો આવ્યો હતો. આ જોઇ ગ્રાહક હેબતાઇ ગયો હતો. તેણે તત્કાલ રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરી હતી. ત્યારે મેનેજર કહ્યું કે, તમારી વાત સાચી છે. ત્યારે મહિલાએ કહ્યું કે, અમે ઓનેસ્ટનું નામ સાંભળીને ખાવા આવીએ છીએ,

            પહેલો ઓર્ડર પાછો મોકલ્યો, બીજો ઓર્ડર ચલાવી લીધો અને ત્રીજા ઓર્ડરમાં પહેલા કોળિએ તેના મોઢાંમાં જતાં મારું ધ્યાન ગયું. જો ખાધો હોત તો શું થાત ? અહીં ૧૦ જેટલી ભાજીપાંવની લારી ચાલે છે અમે ઓનેસ્ટમાં કેમ ખાઇએ છીએ. તમારું ખાવાનું બિલકુલ હાઇજેનિક નથી. ત્યારે મેનેજરે કહ્યું કે, તમારે એવું હોય તો કીચન જોઇલો, મહિલાએ કહ્યું ચોક્કસ તમારું કીચન જોઇશ. તમે બનાવો છો ત્યારે શું ધ્યાન રાખો છો? તમારા કિચનમાં વંદાઓ ફરતાં જ હશે. ત્યારે જ આ ખાવામાં આવ્યું. તમે નહીં ધ્યાન રાખો તો કોણ રાખશે. તમે મેનેજર છો. ચોખ્ખાઇ છે જ નહીં, આવા કેટલાય વંદા ફરતાં હશે. દરમ્યાન ભારે વિવાદ અને હોબાળા બાદ અમ્યુકો તંત્રના આરોગ્ય વિભાગની ટીમને જાણ થતાં તેણે તાત્કાલિક સ્થળ પર આવી રેસ્ટોરન્ટ સીલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

(8:42 pm IST)