Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડીના પાકનું ઉત્પાદન કરનારા ખેડૂતોને ૬૦ કરોડનું નુકસાન

સુરત :હાલ રાજ્યમાં અતિ ભારે વરસાદને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યાં સામાન્ય નાગરિકો ત્રાસી ગયા હોય, ત્યાં ખેડૂતોની શુ દશા થઈ હશે તે વિચારી શકાય છે. એક તરફ જ્યાં તેઓ સારો વરસાદ થવાથી ખુશી મનાવી રહ્યા હતા, ત્યાં વધુ વરસાદને કારણે લીલા દુકાળની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. લીલા દુકાળને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડીના પાક ઉગવતા ખેડૂતોને અંદાજે 60 કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

બે મહિના અગાઉ ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની હતી. ડાંગર અને શેરડીના પાક માટે પૂરતુ પાણી પણ મળતુ ન હતું. જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે ત્યાર બાદ મેઘરાજા જે રીતે મહેરબાન બન્યા હતા તથા દક્ષિણ ગુજરાતમાં જે રીતે મન મૂકીને વરસ્યા હતા, તેને કારણે ખેડૂત પરિવારોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ ખુરશી જૂજ દિવસો પૂરતી જ હતી. કારણ કે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે મેઘરાજા અટકવાનું નામ જ નહી લેતા હતા. જેના કારણે ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન થયું હતું.

રાજ્યમાં લીલા દુકાળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડાંગર તથા શેરડીના પાકને હેકટર દીઠ 15 હજાર રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જો આંકડાકીય વાત કરીએ તો આ નુકશાનનો આંકડો 60 કરોડ પર પહોંચ્યો છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોનો તમામ પાક નાશ પામશે અને ભારે નુકસાની સહન કરવાનો વારો આવશે. હાલ ખેડૂતો એક જ માંગ કરી છે કે રાજ્ય સરકાર દ્વારા નુકશાની અંગે સર્વે કરવામાં આવે અને તમામ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે.

(5:33 pm IST)