Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

દિવાળી પહેલા નવા પાકની આવકની અસરના કારણે સિંગતેલના ડબ્બામાં રૂૂ.૨૦નો ઘટાડો

રાજકોટ :દિવાળી પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળી પહેલા તેમનો ખર્ચ ઘટે અને ખિસ્સામાં આવક થાય તેવા આ સમાચાર છે. માર્કેટમાં મગફળીમાં નવા પાકની આવકની અસર સિંગતેલના ભાવમાં જોવા મળી છે. જેને પગલે મગફળીમાં સારા પાકની આશાએ એક ડબ્બાએ 20 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ સિંગતેલના એક ડબ્બાનો ભાવ 1820 રૂપિયા થયો છે. ત્યારે આગામી સમયમાં આ ભાવ હજુ પણ ઘટાડે તેવી શક્યતા બિઝનેસ એક્સપર્ટસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દિવાળીનો તહેવાર સામે હોઈ ગૃહિણીઓ માટે 20 રૂપિયાનો ઘટાડો બહુ જ મોટી વાત છે. કારણ કે, આ તહેવાર પર સૌથી વધુ ખર્ચો થતો હોય છે. આ તહેવાર પર જ વિવિધ ફરસાણ બનાવવામાં આવતા હોય છે. ત્યારે સીંગતેલના એક ડબ્બા દીઠ 20 રૂપિયા ઘટી જતા ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર દેખાશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા છેલ્લા સાતમ*આઠમના તહેવારો સમયે સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દર વર્ષે સાતમ આઠમના તહેવાર સમયે તેલના ભાવમાં વધારો જોવા મળતો હોય છે, ત્યારે ગત મહિને તેલના ડબ્બામાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

(5:48 pm IST)