Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અંબાજીના ગોઝારા અકસ્માતમાં ડ્રાઈવર મુનીર વોરાએ કહ્યું ,બ્રેક ફેઈલ થઈ હતી- વાયરલ થયેલો વીડિયો જુનો

અંબાજીઃ ત્રિશુળિયા ઘાટ અકસ્માતની ઘટનામાં 21 લોકો મોતને ભેટ્યા હતા. અચાનક પલ્ટી ખાઈ ગયેલી બસના મુસાફરોની મદદે લોકો આવ્યા હતા. અહીં સુધી કે સંપર્ક કરવામાં પરેશાની થતાં ઈમર્જન્સી સેવાઓ પણ મોડી મળી શકી હતી. આ આકસ્માતમાં ખાનગી બસના ડ્રાઇવર મુનીર વોરાનો એક સેલ્ફી વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે બસ ચલાવે છે અને બીજા હાથે વીડિયો ઉતારે છે તેવું જોઈ શકાય છે. વાયરલ વીડિયો મુદ્દે ખુલાસો કરતા તેણે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે ખુબ જ જૂનો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ડ્રાઇવરની બેદરકારીના વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાતું હતું કે, ડ્રાઈવર કઈ રીતે બિન્દાસ્ત થઈ ચાલુ બસમાં સેલ્ફી લઈને એક ટીકટૉક વીડિયો બનાવી રહ્યો હતો. ડ્રાઇવર મુનીર વોરાએ વાયરલ વીડિયો મુદ્દે ખુલાસો કરતા કહ્યું કે, સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે ખુબ જૂનો છે. આ વીડિયો સાથે અંબાજીવાળી ઘટનાને કોઇ લેવાદેવા નથી. આ ઘટનામાં તો બસની બ્રેક ફેઈલ થતાં આ અકસ્માત સર્જાયો હતો. મેં મુસાફરોને બચાવવાના પુરા પ્રયત્નો કર્યા હતા. જો મેં બચાવ ન કર્યો હોત તો તમામ મુસાફરોના મોત થયા હોત.

અંબાજી ખાતે ત્રિશુળિયા ઘાટ પાસે બસ ટર્ન લઈ રહી હતી ત્યારે તે પલટી ખાઈ ગઈ હતી. વળાંક પર વધુ સ્પીડ અને વરસાદને કારણે ડ્રાઈવરે બ્રેક મારતાં પાછળનું વ્હીલ ઊંચુ થઈ ગયું હતું. જેને કારણે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગૂમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી.

(1:46 pm IST)