Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ક્રાઈમ કરી કેદી બનેલા એ બંદીવાનોને રીપોર્ટીંગ કરતા જુઓ તો નવાઈ ન પામતા

ઈતિહાસ સર્જાયોઃ દેશમાં ગાંધી જયંતિએ સૌથી વધુ કેદી ગુજરાતમાંથી મુકતઃ ૧૮ કેદીઓએ પત્રકારીત્વ કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યોઃ સાબરમતિ જેલમાં ગાંધી જયંતિ અંતર્ગત એક સપ્તાહ સુધી વકતૃત્વ સ્પર્ધા, ગાંધી વિચાર પરીક્ષા, પ્રાર્થના, ભજન અને સ્વચ્છતા અભિયાનો સહિતના અનુકરણીય કાર્યક્રમો દ્વારા જેલ કેદીઓના માનસપલ્ટાનો નવા જેલ વડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા અદ્ભૂત પ્રયોગઃ ડીઆઈજી એસ.કે. ગઢવી, જેલ અધિક્ષક ડો. એમ.કે. નાયકની સાથોસાથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જગદીશભાઈ ભાવસાર, ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના ડો. હર્ષદભાઈ પટેલ અને નવજીવન ટ્રસ્ટ અમદાવાદના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ

ગાંધી જયંતિએ જેલ કેદીઓના માનસપલ્ટાનો નવા જેલ વડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા અદ્ભૂત પ્રયોગઃ અમદાવાદની સાબરમતિ જેલમાં ગાંધી જયંતિ અંતર્ગત એક સપ્તાહ સુધી વકતૃત્વ સ્પર્ધા, ગાંધી વિચાર પરીક્ષા, પ્રાર્થના, ભજન અને સ્વચ્છતા અભિયાનો સહિતના અનુકરણીય કાર્યક્રમો દ્વારા જેલ કેદીઓના માનસપલ્ટાનો નવા જેલ વડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા અદ્ભૂત પ્રયોગ હાથ ધરવા સાથે જેલમુકત કેદીઓને જીવનપલ્ટો કરવા માટેની શીખ સાથે ગાંધીજીની આત્મકથા ભેટ આપતા નવા જેલ વડા ડો. કે.એલ.એન. રાવ, ડી.આઈ.જી. એસ.કે. ગઢવી તથા આગેવાનો સાથે ઉપસ્થિત જેલ કેદીઓ દ્રષ્ટિગોચર થાય છે. ઈન્સેટ તસ્વીરમાં જેલ કેદીઓને હૃદયસ્પર્શી અપીલ કરતા જેલ વડા ડો. કે.એલ.એન. રાવ દેખાય રહ્યા છે.

રાજકોટ, તા. ૩ :. દેશભરમાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની વિશિષ્ટ ઉજવણી થઈ રહી છે ત્યારે ત્રીજા અને છેલ્લા તબક્કામાં રાજ્યની વિવિધ જેલમાંથી ૧૫૮ કેદીઓને તેઓના નિર્ધારીત સમય કરતા તેઓની ચાલચલગત ધ્યાને લઈને રાજ્ય સરકારે હકારાત્મક વલણ અપનાવી ૧૫૮ કેદીઓની વહેલી જેલમુકિત કરવાના નિર્ણયની ઉજવણીને સાર્થક બનાવવા માટે જેલવડા તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ડો. કે.એલ.એન. રાવે આ અવસરને અનોખી રીતે ઉજવવા તથા કેદીઓના માનસપલ્ટા કરવા માટે અનોખા પ્રયોગના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું.

ઉકત પ્રસંગે દેશના ઈતિહાસમાં ભાગ્યે જ બન્યુ હોય તેવુ બન્યુ છે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત નવજીવન ટ્રસ્ટ દ્વારા ડીપ્લોમા ઈન જર્નાલિઝમમાં ઉતિર્ણ થનાર ૧૮ બંદીવાનોને શિક્ષણ જગતના જાણીતા આગેવાનો હસ્તે તથા પોલીસ અધિકારી હસ્તે પત્રકારીત્વની પદવી એનાયત કરવામા આવેલ હતી. જેલમુકત થનાર બંદીવાનોએ પણ રાજ્ય સરકારના આવા અભિગમને દિલથી આવકાર્યો હતો.

ડો. કે.એલ.એન. રાવ, પોલીસ મહાનિરીક્ષક ડો. એસ.કે. ગઢવી તથા જેલ અધિક્ષક ડો. એમ.કે. નાયકના માર્ગદર્શનમાં જેલ સ્ટાફે એક સપ્તાહ સુધી વકતૃત્વ સ્પર્ધા, ગાંધી વિચારની પરીક્ષા, ગાંધી ભજન, ગાંધીજીના જીવનકવનને આલેખતા પ્રવચનો, સ્વચ્છતા અભિયાનની ઉજવણી સાથે રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ. આ અનોખા કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે શિક્ષણ જગતના જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ જેવા કે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશભાઈ ભાવસાર, ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ તેમજ ગાંધીજી દ્વારા પ્રસ્થાપિત નવજીવન ટ્રસ્ટ અમદાવાદના મેનેજીંગ ટ્રસ્ટી વિવેકભાઈ દેસાઈ સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ઉકત પ્રસંગે નવા જેલવડા ડો. કે.એલ.એન. રાવે તમામ કેદીઓને જેલમુકત થયા બાદ ફરી જેલમાં ન આવવુ પડે તે માટે સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભળી જવા અપીલ કરવા સાથે થોડી તકલીફ પણ પડશે પરંતુ હંસતા મુખે થોડુ સહન કરીને પણ સમાજ સાથે ભળી જવા અપીલ કરી હતી. કેદીઓને તેઓએ ગાંધીજીની આત્મીય કથા સ્મૃતિ ભેટ તરીકે અર્પણ કરી હતી. વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ અને પ્રમાણપત્રો પણ અર્પણ કરવામાં આવ્યા હતા.(૨-૮)

 

(12:17 pm IST)