Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના યોજાઈ

પાલડીથી જનજાગૃતિ રેલી સ્વરુપે બાળકો પહોંચ્યા : સ્વચ્છ ભારત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વહેલાલ ખાતે થઇ : પ્લાસ્ટિક મુક્ત ભારત માટેનો મુદ્દો ચમક્યો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે કરાઈ હતી. આ પ્રસંગે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવાની નેમ કૃષિમંત્રી ફળદુએ વ્યક્ત કરી હતી. બીજી બાજુ ગાંધી જ્યંતિએ કોચરબ આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. મહાત્મા ગાંધીજીના ૧૫૦ વર્ષની ઉજવણી પ્રસંગે આજરોજ સ્કાઉટ ભવન પાલડીથી કોચરબ આશ્રમ સુધી સ્કાઉટ ગાઈડ બાળકોએ જનજાગૃતિ રેલી યોજી હતી. કોચરબ આશ્રમ ખાતે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારની ઉપસ્થિતિમાં સવધર્મ પ્રાર્થના યોજી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ-ગાઈડના ચીફ કમિશ્નર જનાર્દન પંડ્યા ખાસ હાજર રહ્યા હતા. સ્કાઉટ-ગાઈડ બાળકો ભારતના ૯ રાજ્યોમાંથી વિશેષ તાલિમ માટે સાત દિવસ માટે ગુજરાતમાં આવ્યા છે.

          રાષ્ટ્રપિતા મહાત્મા  ગાંધીજીના ૧૫૦ વર્ષ નિમિતે ખાસ તાલિમ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ-ગાઈડના ઉપાધ્યાક્ષ સવિતાબેન પટેલ, રાજ્ય ગાઈડ કમિશ્નર ભગવતીબેન ઓઝા સહિત તાલિમના રાષ્ટ્રીય ઈન્ચાર્જ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સર્વધર્મ પ્રાર્થના બાદ ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસાર, અરૂણ ગાંધીએ બાળકોને ગાંધીજીના વિચારો જીવનમાં ઉતારવાં અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પહેલા દેશવાસીઓને સ્વચ્છ ભારત મિશન માટે આહ્વાન આપ્યું હતું. જેના અનુસંધાનમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં 'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. તેમણે ઉપસ્થિત લોકોને આહવાન કરતા જણાવ્યું કે, આજથી લોકો ૫૦ માઈક્રોન થેલીઓનો સદંતર ત્યાગ કરે અને કાગળ અને કાપડની થેલીઓનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરે તે પર્યાવરણ માટે ઉત્તમ સાબિત થશે. આ પ્રસંગે દસકોઈ તાલુકાના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ, આસિસ્ટન્ટ કલેકટર દેવ ચૌધરી સહિત અન્ય અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:16 pm IST)