Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ભારતની પ્રતિષ્ઠા આજે વિશ્વમાં વધી છે, જે ગૌરવની વાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

એેરપોર્ટ ખાતે હજારો કાર્યકરોને મોદીનું સંબોધન : રાષ્ટ્રપિતા ગાંધી આજની-આવનારી પેઢી માટે માર્ગદર્શક છે : હાઉડી મોદી કાર્યક્રમની દુનિયાના દેશોએ નોંધ લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ એરપોર્ટ પર ભાજપના હજારો કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુએનની તાજેતરની મુલાકાત બાદ એ વાતની પ્રતીતિ થાય છે કે, દુનિયાનો દરેક દેશ ભારતને સ્વીકાર કરી ચૂકયો છે. દુનિયામાં એક આશા જાગી છે, વિશ્વમાં જે પરિવર્તનની સંભાવના છે, તેમાં સૌથી મોટી હિસ્સેદારી ભારતની છે. ભારત આજે તેના વ્યવહાર, તેની સંસ્કૃતિ અને આદર્શોને લઇ વિશ્વને સાથે રાખીને ચાલવામાં માને છે. ભારતની પ્રતિષ્ઠા આજે સમગ્ર વિશ્વમાં વધી છે. જે મોટા ગૌરવની વાત છે. મોદીએ તેમના સંબોધન દરમ્યાન તાજેતરની તેમની અમેરિકા અને યુએનની મુલાકાત દરમ્યાન હાઉડી મોદી કાર્યક્રમની સફળતાથી ભારતની તાકાતનો વિશ્વને પરિચય થયો હોવાનો સાફ સંકેત આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના ભાષણની શરૂઆત ભારત માતા કી જયથી કરી હતી. તેમણે ઉપસ્થિત કાર્યકરોને મહાત્મા ગાંધી અમર રહે...અમર રહેના નારા લગાવડાવ્યા હતા. તેમણે જણાવ્યુ કે, ૨૦૧૪માં હું એન ગયો હતો પરંતુ એ વખતે અલગ વાતાવરણ હતું અને હવે તાજેતરમાં ૨૦૧૯માં યુએનમાં ગયો ત્યારે એવું લાગ્યું કે, યુએનમાં ગાંધી ૧૫૦ જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં રાષ્ટ્રપિતા ગાંધીજીનુ પોસ્ટર સ્ટેમ્પ નોંધનીય બન્યું હતું.

            ગાંધીજી ગાતા તે વૈષ્ણવ જન ભજન જાણે કે, વૈશ્વિક બન્યું છે. વિશ્વના લોકપ્રિય ગાયકો અને સંગીતકારોએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગાઇ બતાવ્યું કે જયારે તેમને આપણી ભાષા પણ ખબર ન હતી તેમછતાં ૧૫૦થી વધુ દેશોના ગાયકોએ વૈષ્ણવ જન ગાઇ બતાવ્યુ. મેં તેમને અર્થ પૂછયો તો, મને આશ્ચર્ય થયુ કે, આ કલાકારોએ આ ભજન ગાતા પહેલા તેને સમજયું છે અને તેના ભાવ અને અર્થ અને સંદેશને ફેલાવાનો સુંદર પ્રયાસ કર્યો છે. બાપુને દુનિયાએ જે પ્રકારે આદરાંજલિ અને શ્રધ્ધાંજલિ અર્પી છે તે આટલા વર્ષોમાં પહેલીવાર થયું છે. મહાત્મા ગાંધી આજે પણ છે અને કાલે પણ રહેશે. આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક અને દરેક સમસ્યાઓના સમાધાન માટે ગાંધીજીની મહેંક મળશે. યુએનમાં ગાંધીજીને બહુ આદરપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. યુએનમાં પર્યાવરણ, હેલ્થ કેર સહિતના તમામ કાર્યક્રમોમાં ગાંધીજીની ઝલક કયાંક ને કયાંક વર્તાતી હતી. અમેરિકાની યાત્રામાં હ્યુસ્ટનમાં ત્યારબાદ યુએનમાં આવ્યો, મારા પ્રવેશ વખતે તમામ સમારોહમાં હાઉડી મોદીથી જ શરૂઆત થઇ હતી. વિશ્વના દરેક દેશના નેતાને ખબર હતી કે, હાઉડી મોદી શું હતું, શું છે તેઓ જાણતા હતા.

આજે વિશ્વમાં ફેલાયેલા ભારતીયો ભારતીય પાસપોર્ટની તાકાત અને ઇજ્જત વધી છે. દુનિયાના લોકો ઇજ્જત અને સન્માન સાથે ભારતીયોને જોઇ રહ્યા છે. વિશ્વમાં ફેલાયેલા ભારતીયો હાલના નવા ભારત અને બદલાઇ રહેલા ભારતને જોઇને તેઓનો હોંસલો બુલંદ જણાય છે. ત્યાંના આપણા ભાઇબહેનોની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગી ગયા છે. હાઉડી મોદીના કાર્યક્રમને સફળ બનાવવા બદલ હું હ્યુસ્ટનના મેયર સહિતના તમામ લોકોનો આભાર વ્યકત કરું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન અને લાંબા સમય સુધી તેમનું રોકાણ એ પ્રશંસાને પાત્ર છે  હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પણ આભારી છું. તેઓ સિકયોરીટીની પરવા કર્યા વિના મારો હાથ ઉંચો કરીને ચાલ્યા તે નોંધનીય છે. વડાપ્રધાન મોદીનું સંબોધન પૂર્ણ થયા બાદ ભારત માતા કી જયના  પણ જોરદાર નારા લાગ્યા હતા. કાર્યકરોએ પોતાના મોબાઇલની ટોર્ચ ચાલુ કરી પીએમનું અભિવાદન કર્યું હતું.

 

(10:10 pm IST)