Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગ્રામિણ ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર : વધુ એક મોટી સિદ્ધિ

સાબરમતી રિવરફ્રન્ટ પર સરપંચ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત : ગાંધીજી જેવી વ્યવસ્થા ઇચ્છતા હતા તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે અવિરત પ્રયાસો થઇ રહ્યા છે : સ્વચ્છ ભારત મિશનમાં ૬૦ કરોડ શૌચાલયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજ્યંતિના અવસરે ગુજરાતની એક દિવસની યાત્રાએ પહોંચ્યા હતા. મોદીએ સાંજે એરપોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કર્યા બાદ મોડી સાંજે રિવરફ્રન્ટ ઉપર સરપંચોના સંમેલનમાં ભાગ લઇને જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. સાથે સાથે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરપંચ સંમેલનમાં ગ્રામ્ય ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, દેશના લોકોની સમર્પણ ભાવના, ત્યાગભાવનાના પરિણામ સ્વરુપે પાંચ વર્ષના સખત પરિશ્રમના કારણે આ બાબત સફળ બની છે. ગ્રામિણ ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થયું છે. હજુ સ્વચ્છતા મિશન યથાવતરીતે જારી રહેશે. સ્વચ્છતાના આ મિશનમાં તમામ લોકો જોડાયા છે જેમાં બોલીવુડથી લઇને રમતવીરોનો સમાવેશ થાય છે. ૬૦ મહિનાના ટૂંકા ગાળામાં જ ૬૦ કરોડતી વધુ ટોયલોટોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

              તેમણે દાવો કર્યો હતો કે, સ્વચ્છતાના કારણે ગરીબ લોકોના તબીબી ખર્ચમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. સ્વચ્છ ભારત મિશન જીવનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સ્વચ્છ ભારતના સંદર્ભમાં વાત કરતા મોદીએ જુદા જુદા આંકડાઓનો ઉલ્લેખ કર્યો હતો. સ્વચ્છતાના આ અભિયાનમાં બોલીવુડથી લઇને રમતગમત સુધી જોડાયેલી હસ્તીઓને ભાગ લેવાના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, સરકારે જળજીવન મિશન ઉપર ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. દેશવાસીઓની સક્રિય ભાગીદારીના પરિણામ સ્વરુપે આ બાબત શક્ય બની રહી છે. લોકોની ભાગીદારી વગર કોઇપણ મિશન સફળ થશે નહીં. મોદીએ કહ્યું હતું કે, ઇતિહાસ આજે દોહરાવી રહ્યું છે જે રીતે બાપુના આહવાન પર દેશવાસીઓ સત્યાગ્રહમાં આગળ આવ્યા હતા તેવી જ રીતે સ્વચ્છાગ્રહ માટે કરોડો ભારતવાસી આગળ આવ્યા છે. તમામ લોકોએ સખત પરિશ્રમ કરીને બાપૂના સપનાને સાકાર કરવામાં ભૂમિકા ભજવી છે. આ આંદોલનમાં અમને શરૂઆત પોતાનાથી કરવાની છે.

               સ્વચ્છતાની યાત્રામાં આજ એકમાત્ર માર્ગ હોવાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, આજે સમગ્ર દુનિયા સ્વચ્છ ભારત અભિયાનના અમારા મોડલથી શિખવા માટે ઇચ્છુક છે. સરકાર જળજીવન મિશન ઉપર અભૂતપૂર્વ રકમ ખર્ચ કરીને આગળ વધવા માંગે છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, સ્વચ્છતા મિશનમાં જે લોકો પાછળ રહી ગયા છે તે લોકોને પણ સાથે જોડવાની જરૂર છે. જળજીવન મિશન સાથે લોકોને જોડવાનો સમય આવી ગયો છે. આજે જે સફળતા મળી છે તે માત્ર  તબક્કા તરીકે છે. સ્વચ્છ ભારત માટે સતત અમારા પ્રયાસ જારી છે. સ્વચ્છ ભારત અભિયાન સ્વચ્છતાની કમીના કારણે ગરીબોને થનારી બિમારીઓથી બચાવવામાં આગળ વધી રહ્યું છે. તેનાથી પ્રેરણા મળે છે. આજે ગ્રામિણ ભારતે પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત કર્યું છે. સ્વચ્છતા, સ્વૈચ્છા, સ્વપ્રેરણા અને જનભાગીદારીથી ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનની આ શક્તિ છે અને સાથે સાથે પ્રેરણાસ્ત્રોત પણ છે.

           ગ્રામિણ ભારત ખુલ્લામાં શૌચમુક્ત જાહેર થયા બાદ આના માટે તમામ સરપંચોને તેઓ અભિનંદન આપે છે. મોદીએ સ્વચ્છતાની સાથે સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, અમે એવા પ્રયાસ કરી રહ્યા છે જેનાથી બાપૂ ઇચ્છતા હતા તેવી વ્યવસ્થા ઉભી કરી શકાય. તેમણે કહ્યું હતું કે,  બાપૂ છેલ્લી વ્યક્તિ માટે નિર્ણયની વાત કરતા હતા. અમે ઉજ્જવલા, સૌભાગ્ય યોજના અને સ્વચ્છતા યોજનાથી આ વ્યવસ્થાનો હિસ્સો બની રહ્યા છે. સ્વચ્છ ભારત મિશનની સફળતાની પણ વાત કરી હતી. સ્વચ્છ ભારત મિશનથી ગ્રામીણ વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકો સર્જાઈ છે.

           અગાઉ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીની નિમિત્તે  ગુજરાતની એક દિવસીય મુલાકાતે પધારેલા નરેન્દ્ર મોદીનું આજે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી અને પ્રોટોકોલમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કેલાશનાથન, પ્રોટોકોલ અગ્રસચિવ કમલ દયાની, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે, અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘ, ભારતીય લશ્કર અને વાયુસેનાના ઉચ્ચ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.

(10:05 pm IST)