Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સમાજમાં ઝેર ફેલાવવાના પ્રયાસની સામે ઉગ્ર વિરોધ

આવા હીન પ્રયાસોની ઝાટકણી કાઢવામાં આવીઃ સમાજમાં ઝેર ફેલાવવા પ્રયાસ મામલે આવેદનપત્ર સુપ્રત

અમદાવાદ, તા.૩: બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ગુજરાતભરમાં પરિવર્તન રેલીના બહાને ફરીને વિવાદીત અને અભદ્ર ટિપ્પણીઓ અને નિવેદનો કરી કોમી વૈમન્સ્ય ફેલાવાઇ રહ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે સમસ્ત શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ(રાજયકક્ષા)ના કન્વીનર યજ્ઞેશ દવેએ આકરા પ્રહારો કર્યા હતા અને બહુજન ક્રાંતિ મોરચાના સમાજમાં કોમી વૈમન્સ્ય ફેલાવવાના આવા હીન પ્રયાસો પરત્વે ઉગ્ર વિરોધ કરી તેની ઝાટકણી કાઢી હતી. ખૂબ જ સંવેદનશીલ એવા આ મુદ્દા પરત્વે સમસ્ત શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ(રાજયકક્ષા)ના કન્વીનર યજ્ઞેશ દવેના નેજા હેઠળ ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના સત્તાધીશોને આવેદનપત્ર આપી તાત્કાલિક આ પ્રકારના હીન પ્રયાસોને રોકવાના પગલાં લેવા અનુરોધ કરાયો છે. આ સમગ્ર મામલે સમસ્ત શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ(રાજયકક્ષા)ના કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, બહુજન ક્રાંતિ મોરચા દ્વારા તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ કચ્છના નખત્રાણાથી શરૂ કરાયેલી પરિવર્તન યાત્રા રેલી સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં ફરીને ફરીને વાસ્તવમાં કોમી વૈમનસ્ય ફેલાવાઇ રહ્યું છે. આ રેલી આગામી તા.૨૨ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સમાપ્ત થઇ રહી છે. પરંતુ આઘાતજનક વાત એ છે કે, ખુદ બહુજન ક્રાંતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેસરામ દ્વારા રેલીમાં વિવિધ સ્થળોએ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તે પ્રકારે બ્રહ્મ સમાજ, સમસ્ત હિન્દુ સમાજ તથા સનાતન ધર્મના દેવી દેવતા અને સ્વતંત્ર ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સનાતન ધર્મના પ્રચારક આરએસએસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મોહન ભાગવતજી વિશ સતત અભદ્ર ટીપ્પણીઓ કરી સમાજમાં ઝેર ફેલાવવાનું કાર્ય થઇ રહ્યું છે. બહુજન ક્રાંતિ મોરચાના આવા હીન પ્રયાસોને લઇ ચોતરફથી ઉગ્ર વિરોધનો વંટોળ ફુંકાઇ રહ્યો છે.

ખાસ કરીને બ્રહ્મસમાજ અને સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાતાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. બહુજન ક્રાંતિ મોરચાને આ પ્રકારે સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાવતા રોકવા માટે ગુજરાતના ઘણા જિલ્લા તથા તાલુકામાં આવેદન પત્ર આપી યાત્રા ન થાય અથવા યાત્રા કરે તો પણ કોઇપણ સ્થળે ભાષણમાં જ્ઞાતિ વિશે કોઇ અભદ્ર ટીપ્પણીઓ ન કરવામાં આવે તેની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા અસરકારક કાર્યવાહી થઇ નથી. આ ખૂબ જ સંવેદનશીલ મામલે સમસ્ત શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ(રાજયકક્ષા)ના કન્વીનર યજ્ઞેશ દવેના નેજા હેઠળ ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજયના ડીજીપી શિવાનંદ ઝા સહિતના સત્તાધીશોને આવેદનપત્ર આપી તાત્કાલિક આ પ્રકારના હીન પ્રયાસોને રોકવાના પગલાં લેવા અનુરોધ કરાયો છે. ખાસ કરીને, આગામી તા.૨૨ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે યોજાનારી રેલીના સમાપનમાં બહુજન મોરચાના સભ્યો દ્વારા કોઇપણ સમાજ કે સામાજીક ટીપ્પણીઓ ના કરવામાં આવે તે માટે ખાસ અપીલ આ સત્તાધીશોને કરાઇ છે.

(10:07 pm IST)