Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

GTUની દરેક પરીક્ષામાં પાસ થવા માટે હવે વિદ્યાર્થીઓએ ૪૦% માર્કસ લાવવા જરૂરી!

હાલમાં યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ૭૦માંથી ૨૩ માર્કસ લાવે તો પાસ કરી દેવામાં આવે છેઃ ચાલુ વર્ષે ટર્મ ચાલુ થઇ ચૂકી હોવાથી હવે આગામી વર્ષથી અમલ કરાશે

અમદાવાદ તા. ૩ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે જોડાયેલી કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પાસ થવા માટે યુનિવર્સિટીની પરીક્ષામાં અત્યાર સુધી કુલ ૭૦ માર્કસમાંથી ૨૩ માર્કસ લાવવા પડતાં હતા. પરંતુ હવે પછી વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ૨૮ માર્કસ એટલે કે ૪૦ ટકા લાવવા ફરજિયાત છે. આ અંગેનો નિર્ણય યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં કરાયો છે. જો કે, હાલમાં ટર્મ ચાલુ થઇ ચુકી હોવાથી હવે આગામી વર્ષથી આ નિર્ણયનો અમલ કરવાનુ નક્કી કરાયુ છે. .

યુનિવર્સિટી સાથે જોડાયેલી ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતની જુદા જુદા કોર્સમાં કુલ બે પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં કોલેજની ઇન્ટરનલ પરીક્ષામાં કુલ ૩૦માંથી પાસ થવા માટે ૧૨ માર્કસ લાવવા પડે છે. આ માર્કસની ગણતરી કરીએ તો ૪૦ ટકા પુરા થઇ જાય છે. આમ, ઇન્ટરનલ પરીક્ષામાં કોઇ મુશ્કેલી નડે તેમ નથી. પરંતુ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી એકસટર્નલ પરીક્ષા કુલ ૭૦ માર્કસની હોય છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ૨૩ માર્કસ લાવે તો પણ તેને પાસ કરી દેવામાં આવે છે. કુલ ૭૦માંથી ૨૩ માર્કસની ગણતરી કરવામાં આવે તો ૪૦ ટકા પુરા થતા નથી. જેના કારણે હવે પછી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષામા પાસ થવા માટે વિદ્યાર્થીઓએ ૭૦માંથી ૨૮ ગુણ લાવવાના રહેશે. ૨૮ ગુણ એટલે કે ૪૦ ટકા માર્કસ લાવે તો જ વિદ્યાર્થીને પાસ જાહેર કરવામાં આવશે.

તાજેતરમાં મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. જો કે, હજુ આ નિર્ણયની આખરી મંજુરી માટે બોર્ડ ઓફ ગવર્નન્સમાં રજૂ કરવામાં આવશે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠનો સંપર્ક કરતાં તેઓ કહે છે દરેક પ્રોફેશનલ કોર્સમા પાસીંગ માર્કસ ૪૦ ટકા છે. માત્ર ઇજનેરીમાં અને જીટીયુ દ્વારા લેવામાં આવતી અન્ય પરીક્ષામાં ૪૦ ટકા માર્કસ થતાં ન હોવાથી અનેક મુશ્કેલીઓ ઉભી થતી હતી. દરેક પ્રોફેશનલ કોર્સની જેમ હવે ઇજનેરી અને જીટીયુ દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષામાં પાસીંગ માર્કસ ૪૦ ટકા કરવાનો નિર્ણય કરાયો છે. જોકે, હાલમાં ટર્મ ચાલુ થઇ ચુકી હોવાથી તેનો અમલ થઇ શકે તેમ નથી. પરંતુ હવે બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં આ નિર્ણય રજૂ કરીને આગામી વર્ષથી આ નિર્ણયને લાગુ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.(૨૧.૭)

(11:47 am IST)