Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ધોળકા નજીક કાર અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં યુવકનું મોત

અકસ્માતમાં રીક્ષાચાલક સહિત બેને ગંભીર ઇજા : હિટ એન્ડ રનની વધુ એક ઘટના : ઓવરટેક કરતી વખતે કારચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા મોટો અકસ્માત

અમદાવાદ, તા.૩ : ધોળકા હાઇવે પર વિસલપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ધોળકાના વિસલપુર નજીક હાઇવે પર ઓવરટેક કરતી વખતે પૂરપાટઝડપે આવતાં એક કારચાલકે રીક્ષાને જોરદાર ટક્કર મારતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયુ હતું. જયારે રીક્ષાચાલક સહિત બેને ગંભીર ઇજા થતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અસલાલી પોલીસે બ્લેક કલરની કારચાલક સામે ગુનો નોંધી સમગ્ર તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી કારચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ અકસ્માતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના ધોળકાના કાવિઠા ગામના રહેવાસી અને રીક્ષા ચલાવતા રણજીતભાઇ ઠાકોર ગઇકાલે બપોરે નારદીપુરથી કામ પતાવી પરત પોતાના ઘરે આવવા નીકળ્યા હતા.

     બાકરોલ રિંગરોડથી તેઓએ રીક્ષામાં એક નાની છોકરી અને યુવકને પેસેંજર તરીકે બેસાડી કાવિઠા તરફ જવા નીકળ્યા હતા. વિસલપુર પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી એક કાળા કલરની કાર પૂરપાટઝડપે આવી હતી અને કારના ચાલકે ઓવરટેક કરવા જતા પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી રીક્ષાને જમણી બાજુ જોરદાર ટક્કર મારી જતી રહી હતી. ટક્કર વાગતા જ રીક્ષા રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે ભટકાઇ હતી અને પલટી ખાઇ ગઇ હતી. આ જીવલેણ અકસ્માતમાં રીક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા મુકેશભાઇ ભોઇ (ઉ.વ. ૨૮)ને માથામાં ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયુ હતું. જયારે રીક્ષા ચાલક અને નાની છોકરીને અન્ય વાહનચાલકો તેમ જ સ્થાનિકોએ બહાર કાઢી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્વામાં આવ્યા હતા. અક્સ્માતની જાણ થતાં અસલાલી પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને નાસી છૂટેલા કારચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(8:50 pm IST)