Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગુજરાતમાં ત્રણથી ૪ દિવસ હજુ સારો વરસાદ પડી શકે

ગુજરાતમાં આ વર્ષનું ચોમાસુ ઘણું સારૂ રહ્યું : ૯૩.૫૬ ટકા ખરીફ વાવેતર : ડાંગર, મકાઈ, મગફળીમાં પણ ૧૦૦ ટકા વાવેતર થઇ ચુક્યું : હેવાલમાં દાવો કરાયો

અમદાવાદ, તા.૩ : મેઘરાજાની અસીમ કૃપાના કારણે આ વખતે ચોમાસાની સીઝન દરમ્યાન ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું આર્શીવાદરૂપ રહ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, રાજ્યના ચાર તાલુકામાં સીઝનનો ૧૦૦ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ ત્રણ થી ચાર દિવસ સુધી તા.૭મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા છે. સ્ટેટ ઇમરજન્સીના આંકડા જોઇએ તો, માત્ર બે જ તાલુકામાં ૫ાંચથી દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બાકીના ૨૪૯ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્યો છે.

       તેમજ વરસાદની ઓછપ ભોગવતા અને વારંવાર અછતનો સામનો કરતા સરહદી જિલ્લા કચ્છમાં પણ આ વખતે ૧૧૯ ટકા વરસાદ વરસ્યો છે. તો રાજયના ૫૭ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ, ૧૨૪ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઇંચ, ૬૮ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં ૧૦૦ ટકા વરસાદથી ધરતીપુત્રોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ખરીફ વાવેતર લગભગ પૂર્ણતાને આરે છે. ગુજરાતમાં સારા ચોમાસાના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩.૩૪ લાખ હેક્ટર વધુ ખરીફ વાવેતર થયું છે. છેલ્લા વર્ષની સ્થિતિ મુજબ ૭૯,૩૦,૭૩૫ હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે આ વર્ષે ૯૩.૫૬ ટકા ખરીફ વાવેતર થયું છે. બાજરી, કપાસમાં ૧૦૦ ટકાથી વધુ વાવેતર થઈ ચૂક્યું છે. ડાંગર, મકાઈ અને મગફળીમાં પણ ૧૦૦ ટકા જેટલું વાવેતર જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કુલ ૯૬.૫૬ ટકા ખરીફ વાવેતર થવાથી ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં ૪૪૬.૦૫ મિમી (૧૭.૫ ઇંચ) વરસાદ પડ્યો છે. જ્યારે જુલાઈ મહિનામાં ૨૨૨.૩૭ મિમી (૮.૭ ઇંચ) તેમજ જૂન મહિનામાં ૧૦૮.૫૯ મિમી (૪.૩ ઇંચ) વરસાદ નોંધાયો હતો.

૪ તાલુકાઓમાં ૧૦૦ ઇંચથી વધુ વરસાદ....

અમદાવાદ, તા. ૩ : ગુજરાતમાં મોનસુનની વર્તમાન સિઝનમાં ઉલ્લેખનીય વરસાદ થઇ ગયો છે જેના ભાગરુપે મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે. રાજ્યમાં મોસમ ૯૯.૦૪ ટકા વરસાદ થયો છે. ચાર તાલુકાઓમાં હજુ સુધી રેકોર્ડ વરસાદ થયો છે. આંકડો ૧૦૦ ઇંચ કરતા પણ વધુ રહ્યો છે.

તાલુકો...................................................... વરસાદ

વઘઈ.................................................... ૧૨૬ ઇંચ

વાપી..................................................... ૧૦૦ ઇંચ

કપરાડા................................................. ૧૨૧ ઇંચ

ઉમરપાડા.............................................. ૧૧૯ ઇંચ

(8:46 pm IST)