Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગમાં ૩ ઇંચ સુધી વરસાદ

અમરેલી, વલસાડ, રાજકોટ, પાટણ, બોડેલીમાં વરસાદી માહોલ : છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ તાલુકામાં વરસાદ થયો : ગુજરાતમાં મોનસુનની સિઝનમાં હજુ સુધી ૯૯.૦૪ ટકા વરસાદ : મોટાભાગના જળાશયો ભરાયા

અમદાવાદ,તા.૩ : સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. રાજકોટ, ભાવનગર, બોટાદ અને કચ્છ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે આજે પણ જનજીવન ઉપર અસર થઇ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જામેલો રહ્યો છે. અમરેલીના ખાંભામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે વલસાડના કપરાડામાં પણ બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. રાજકોટના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. પાટણ તથા બોડેલી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો ભરુચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

     આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી અકબંધ રખાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬ તાલુકાઓમાં વરસાદ થયો છે. ગુજરાતમાં હજુ સુધી સિઝનનો ૯૯.૦૪ ટકા વરસાદ થઇ ચુક્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસું આશીર્વાદરૂપ રહ્યું છે. રાજ્યના ૨૦૪ જળાશયો પૈકી ૫૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાઇ ગયા છે. તે ઉપરાંત ૪૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા સુધી ભરાયા છે. મોસમનો સરેરાશ વરસાદ ૯૯.૦૪ ટકા થયો છે. જેમાં કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે મળતા અહેવાલ મુજબ ૩ સપ્ટેમ્બર-૨૦૧૯ના સવારે ૬.૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં લોધીકા, પાલીતાણા અને બોટાદ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તે ઉપરાંત આઠ તાલુકાઓમાં બે ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ, ચીખલી, રાપર  ઘોઘા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, ટંકારા અને જોડીયાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ૧૦૫ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૯૯.૦૪ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં ૧૨૧.૫૬ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૦.૨૮ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯૫.૭૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૯.૦૨ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૦.૩૫ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૦૪ જળાશયો પૈકી ૫૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાઇ ગયા છે.

     તે ઉપરાંત ૪૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૯ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૨૫ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે અને ૫૫ જળાશયો ૨૫ ટકા થી ઓછા ભરાયા છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૦.૩૭ ટકા જળસંગ્રહ થયો છે, તે ઉપરાંત મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૬.૪૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૯.૯૨ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૯.૨૫ ટકા જળસંગ્રહ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી મળેલા અહેવાલ મુજબ સરદાર સરોવર, ઉકાઇ, કડાણા, વણાકબોરી, મચ્છુ-૩, આજી-૪, મચ્છુ-ર, આજી-૩, ઉન્ડ-ર, પાનમ, કરજણ,આજી-ર, ફોફલ-ર, મચ્છુ-૧, મીટ્ટી, ડેમી-૨, છાપરવાડી-૨, લાલપરી, ગોધાતડ અને જવાનપુરા જળાશયોમાં ૮૫થી ૧૦૦ ટકા સુધી જળ સંગ્રહ થયો છે.

ગુજરાતમાં વરસાદ....

અમદાવાદ, તા. ૩ : સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. રાજકોટ, ભાવનગર, બોટાદ અને કચ્છ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો.

ઝોન............................................ વરસાદ (ટકામાં)

કચ્છ....................................................... ૧૨૧.૫૬

ઉત્તર ગુજરાત........................................... ૮૦.૨૮

પૂર્વ-મધ્ય ગુજરાત..................................... ૯૫.૭૨

સૌરાષ્ટ્ર..................................................... ૮૯.૦૨

દક્ષિણ ગુજરાત..........................................૧૧૦..૩૫

(8:45 pm IST)