Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લારી-ગલ્લાવાળાઓને હટાવાતા ભારે રોષ : કેવડિયા સ્વયંભૂ બંધ : સ્થાનિકોએ સુત્રોચાર કર્યા

સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી વહીવટીતંત્રના વલણ સામે નારાજગી દર્શાવી

નર્મદામાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લારી-ગલ્લાવાળાઓને હટાવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તંત્રની કાર્યવાહીને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ખાણી-પીણીની લારી ચલાવી પેટીયું રળતા સ્થાનિક આદિવાસી પરિવારોની રોજીરોટી પર ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર કેવડિયા કોલોની સ્વયંભૂ બંધ રહ્યું હતું. ગ્રામજનોએ વહીવટી તંત્રના આવા વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિકોના ઉગ્ર રોષને જોતા કેવડિયામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

   તંત્રની કાર્યવાહીના વિરોધમાં કેવડિયા કોલોની સ્વયંભૂ બંધ રહ્યું હતું. સરકારના નિર્ણયને કારણે લારીધારકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ જણાવ્યું કે અમે જમીનો ગુમાવી છે એટલે લારી મૂકીએ છે. વહીવટી તંત્રમાં રજૂઆત કરવા જઈએ તો ઉડાઉ જવાબ આપે છે. સ્થાનિકોએ સ્ટેચ્યુના નિર્માણ વખતે સરકારે કરેલા વાયદાઓ પણ યાદ અપાવ્યા હતા. સ્થાનિકોએ આ મામલે કલેક્ટરને રજૂઆત કરી વહીવટીતંત્રના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે

(7:39 pm IST)