Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઠાસરા તાલુકાના વણોતીમાં નજીવી બાબતે બે પાડોશી બાખડ્યા: ઝઘડો કરી સામસામે હુમલા કરતા બેને ગંભીર ઇજા

ઠાસરા: તાલુકાના વણોતી તાબે હાઢીયાના મુવાડામાં રહેતાં મધુબેન લાલજીભાઈ પરમાર ગતરોજ સવારના સમયે ઘર બહાર દોરી બાંધી કપડાં સુકવતાં હતાં. તે વખતે તેમના ઘરની બાજુમાં રહેતાં રાજુભાઈ ધનાભાઈ પરમારે મારી હદમાં દોરી કેમ બાંધી છે તેમ કહી ગમેતેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. જેથી મધુબેને દોરી છોડી દીધી હતી. તેમ છતાં રાજુભાઈ ગમેતેમ અપશબ્દો બોલતાં હોવાથી મધુબેનના સસરાં અંદરસિંહ પ્રભાતસિંહ પરમારે ઠપકો આપી રાજુભાઈને અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા રાજુભાઈ ઘરમાંથી ડંડો લઈ આવી અંદરસિંહ પરમારને માર મારવા લાગ્યો હતો. તેમજ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલાં અંદરસિંહ પરમારના ભત્રીજા ઉપીનભાઈ અરજનભાઈ પરમારને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. 

આ બનાવ અંગે અંદરસિંહ પ્રભાતસિંહ પરમારની ફરિયાદને આધારે ડાકોર પોલીસે રાજુભાઈ ધનાભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:41 pm IST)